નવી દિલ્હી તા.10 ફેબ્રુઆરી 2020, સોમવાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોખરાના નેતા સુરેશ ‘ભૈયાજી’ જોશીએ કહ્યું હતું કે હિન્દુઓ એટલે ભાજપ નહીં અને ભાજપનો વિરોધ એટલે હિન્દુનો વિરોધ નહીં. આ બંને અલગ બાબત છે. રાજકારણને રાજકારણ રહેવા દો. એમાં બે અલગ વાતની ભેળસેળ ન કરો.
ગોવામાં વિશ્વગુરુ ભારત વિષય પર બોલતાં એમણે કહ્યું કે ભાજપનો વિરોધ કરીએ એટલે હિન્દુઓનેા વિરોધ કર્યો એવી જે માન્યતા છે એ ખોટી છે. ભાજપ એટલે હિન્દુઓ નહીં અને હિન્દુએા એટલે ભાજપ નહીં. ભાજપના વિરોધને હિન્દુઓનેા વિરોધ ગણી લેવાની જરૂર નથી. ભાજપ એક રાજકીય પક્ષ છે. રાજકારણ એના સ્થાને છે. એને હિન્દુઓ સાથે જોડી દેવાની જરૂર નથી.
હાલ દેશમાં ઠેર ઠેર નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકોના રજિસ્ટર અંગે થઇ રહેલા વિરોધી દેખાવો ટાણે ભૈયાજીએ કરેલું આ નિવેદન ખૂબ સૂચિત છે.
તેમણે કહ્યું કે ધર્મને ભૂલી જવામાં આવે ત્યારે એક હિન્દુ બીજા હિન્દુ સાથે લડી પડે છે. ખુદ છત્રપતિ શિવાજીએ પોતાનાજ કુટુંબીજનોનો વિરોધ સહેવો પડ્યો હતો. ભ્રમ અને સ્વકેન્દ્રી વ્યવહાર વધી જાય છે ત્યારે વિરોધ સર્જાય છે.
ગરીબી અને નિરક્ષરતાનો લાભ ઊઠાવીને ગિરિજાધરો લોકોનું ઇસાઇ ધર્મમાં ધર્માંતર કરાવે છે એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. તેમણે કહ્યું કે સ્વેચ્છાએ ધર્માંતર થતું હોય તો એનો વિરોધ નથી પરંતુ લોભલાલચ આપીને ધર્માંતર કરાવવામાં આવે એ સામે અમારો વિરોધ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UGegC2
via Latest Gujarati News
0 Comments