કાનપુર: CAA વિરોધી રેલીને પોલીસે બળપૂર્વક વિખેરતા તંગદિલીનો માહોલ સજાર્યો

કાનપુર તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર 

છેલ્લા એકાદ સપ્તાહથી ઉત્તર પ્રદેસના કાનપુર શહેરમાં નાગરિકતા અંગેના નવા કાયદાનો વિરોધ કરી રહેલી મુસ્લિમ મહિલાઓને આજે સોમવારે 10 ફેબ્રુઆરીએ સવારે પોલીસે બળપૂર્વક ખસેડતાં કાનપુરમાં તંગદિલી વ્યાપી હોવાના અહેવાલ મળ્યા હતા.

હકીકત એવી છે કે શનિવારે નાગરિકતા અંગેના નવા કાયદા વિરોધી ધરણાં પૂર્ણ થયા હોવાની જાહેરાત ખુદ આયોજકોએ કર્યા પછી પણ એકસોથી વધુ મુસ્લિમ મહિલાઓ ત્યાં અડ્ડો જમાવીને બેસી રહી હતી.

પોલીસે તેમને વિનંતી કરી હતી કે તમે મુહમ્મદ અલી પાર્ક ખાલી કરી નાખજો. ચમનગંજમાં આવેલા આ મુહમ્મદ અલી પાર્કમાં રેલી અને ધરણા ચાલી રહ્યા હતા. પોલીસની વિનંતી કાને ધર્યા વિના બેસી રહેલી મહિલાઓને સોમવારે સવારે પોલીસે ખદેડી કાઢી હતી અને કેટલેક અંશે લાઠીમાર કરીને મહિલાઓને પાર્કની બહાર કાઢી હતી. મહિલાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે અમે શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યાં હતાં છતાં પોલીસે અમને લાઠી મારી હતી.

સામા પક્ષે પોલીસે એેવો આક્ષેપ કર્યો હતો કે દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. અત્રે એ યાદ કરવા જેવું છે કે ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ અનંત દેવે શુક્રવારે દેખાવકારોને ચેતવણી આપી હતી કે તમે હવે દેખાવો બંધ નહીં કરો તો નછૂટકે અમારે તમારી સામે દેશદ્રોહના કેસ કરવા પડશે અને તમને બધાંને અટકાયતમાં લેવાં પડશે. ત્યારબાદ આયોજકોએ શનિવારે ધરણા ખતમ કરવાની જાહેરાત કરી હતી. એ પછી પણ કેટલીક મહિલાઓ જિદે ભરાઇને મુહમ્મદ અલી પાર્કમાં બેસી રહી હતી.

આખરે આજે સવારે પોલીસે એ મહિલાઓને બળપૂર્વક મુહમ્મદ અલી પાર્કમાંથી ખદેડી મૂકી હતી. હવે મહિલાઓ બળ વાપર્યાનો અને પોલીસ પોતાના પર પથ્થરમારો કરાયો હોવાના સામસામા આક્ષેપ કરી રહ્યાં હતાં. દરમિયાન, શહેરમાં તંગદિલી હોવાની માહિતી મળી હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38eKmc2
via Latest Gujarati News

Post a Comment

0 Comments