‘સૉરી, તમે અહીં ભારત વિરોધી કાર્યક્રમ નહીં કરી શકો’, અફઘાનિસ્તાનની હૉટલે પાકિસ્તાની રાજદૂતને સ્પષ્ટ કહી દીધું

કાબુલ તા.6 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક આલીશાન હૉટલે પાકિસ્તાની રાજદૂતાવાસને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અહીં તમને ભારત વિરોધી કાર્યક્રમ કરવાની પરવાનગી અમે ન આપી શકીએ.

પાકિસ્તાને બુધવારે પોતાને ત્યાં કશ્મીર એકતા દિનની ઊજવણી કરી હતી. એ ઊજવણીના એક ભાગ રૂપે કાબુલની એક આલીશાન ફાઇવ સ્ટાર હૉટલમાં પાકિસ્તાની રાજદૂતાવાસે એક કાર્યક્રમ યોજવાની તૈયારી કરી હતી પરંતુ સંબંધિત હૉટલના સંચાલકોએ આવો કોઇ કાર્યક્રમ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.

પાકિસ્તાની મિડિયામાં પ્રગટ થયેલા રિપોર્ટ મુજબ પાકિસ્તાની રાજદૂતાવાસે એેવો આક્ષેપ કર્યો હતો કે અફઘાનિસ્તાનની સરકારે આ હૉટલ પર પરવાનગી નહીં આપવા રાજકીય દબાણ કર્યું હતું. પાકિસ્તાની રાજદૂતાવાસે અફઘાનિસ્તાનના વિદેશ ખાતાને પત્ર લખીને પોતાને પરવાનગી નહીં આપવાના હૉટલના નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો.

પાકિસ્તાની રાજદૂતાવાસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમે એક અઠવાડિયા પહેલાં બુકિંગ કરાવ્યું ત્યારે હૉટલના સંચાલકોએ કોઇ વાંધો વિરોધ કર્યો નહોતો. છેક મંગળવારે સાંજે અમને કહેવામાં આવ્યું કે સુરક્ષાના કારણોસર તમારું બુકિંગ રદ કરવામાં આવે છે. તમે અહીં તમારો કશ્મીર એકતા દિનનો પ્રોગ્રામ નહીં કરી શકો.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OxY4Pl
via Latest Gujarati News

Post a Comment

0 Comments