પાકિસ્તાનને ફરી સાઉદી અરેબિયાએ આંચકો આપ્યો

નવી દિલ્હી તા.7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

કશ્મીરની પરિસ્થિતિની ચર્ચા કરવા ઓર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન (આઇઓસી)ની તત્કાળ બેઠક બોલાવવાની પાકિસ્તાનની માગણી ફગાવી દઇને સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને વધુ એક આંચકો આપ્યો હતો.

ભારતે ગયા વર્ષે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરી ત્યારથી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સતત દુનિયા આખીને હાકલ કરતો રહ્યો છે કે જમ્મુ કશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપો પરંતુ કોઇ કહેતાં કોઇએ સાથ આપ્યો નથી. મલેશિયાએ સાથ આપ્યો તો ભારતે મલેશિયાથી આયાત કરાતા પામ ઓઇલની આયાત બંધ કરીને મલેશિયાના અર્થતંત્રને જોરદાર ઝટકો આપતાં મલેશિયા ડઘાઇ ગયું હતું.

હકીકતમાં સાઉદી અરેબિયા 2019ના ડિસેંબરમાં આઇઓસીના વિદેશ પ્રધાનોની બેઠક બોલાવવાની યોજના કરી રહ્યું હતું. ત્યારે એેવી છાપ પડી હતી કે સાઉદી અરેબિયા પાકિસ્તાનને રાજી રાખવા આમ કરી રહ્યું હતું. એનું કારણ એવું હતું કે ઓઆઇસીના 57 દેશોના સંગઠન સામે પાકિસ્તાને ઇસ્લામી દેશોની નવી સંસ્થા સ્થાપવાની હિલચાલ કરી હતી.

ડિસેંબરમાં મલેશિયામાં આ બેઠક મળી ત્યારે પાકિસ્તાનને પણ એમાં સહભાગી થવાની ઇચ્છા હતી પરંતુ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે એની ઇચ્છા બર આવવા દીધી નહોતી. આ બંને દેશો આર્થિક મોરચે નાદાર જેવા પાકિસ્તાનને સતત મદદ કરતા રહ્યા છે. તેમના દબાણ હેઠળ પાકિસ્તાન મલેશિયાની બેઠકમાં હાજરી આપી શક્યું નહોતું. 

હવે પાકિસ્તાની મિડિયાના એક અહેવાલ મુજબ પાકિસ્તાન ચાલુ માસમાં પોતાને આંગણે આવી એક બેઠક યોજવાના પ્રયાસ કરી રહ્યું છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘ પછી ઓઆઈસી એક બહુ મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું વડું મથક જેડ્ડામાં છે. ઓઆઇસીને કેટલાક દેશો પાકિસ્તાનની કશ્મીર વિશે ચર્ચા કરવાની માગણી સાથે સંમત છે પરંતુ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના સહકાર વિના એ શક્ય નથી.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S3bZiD
via Latest Gujarati News

Post a Comment

0 Comments