નવી દિલ્હી તા.8 ફેબ્રુઆરી 2020, શનિવાર
માલદીવ્સના એક બીચ વિસ્તારમાં માત્ર બિકિની પહેરીને ઘૂમી રહેલી વિદેશી યુવતી સાથે સ્થાનિક પોલીસે ગેરવર્તન કર્યું હોવાના અહેવાલ વહેતા થયા હતા.
સોશ્યલ મિડિયા પર ફરતી થયેલી વિડિયો ક્લીપમાં ત્રણ પોલીસ અફસરો બિકિનીધારી યુવતીને કાબુમાં કરવાની કોશિશ કરી રહેલા જોઇ શકાતા હતા. એક વ્યક્તિ પેલી મહિલાના ખભા પર ટુવાલ ઓઢાડી રહેલો દેખાતો હતો.
આ ઘટના સાથે જોડાયેલા ફોટોગ્રાફ્સ પ્રકાશમાં આવતાં માલદિવ્સના પોલીસ કમિશનરે માફી માગી હતી. માલદિવ્સના રળિયામણા બીચ પર દુનિયાભરના વિદેશી પર્યટકો આવતા રહ્યા છે અને ભારતીય હવામાન માફક ન આવે એવા ટુરિસ્ટ્સ ટૂંકાં કપડાંમાં ફરતાં દેખાય એ રોજની ઘટના છે.
આવી એક ઘટનામાં પોલીસે માત્ર બિકિની પહેરીને ફરતી યુવતીને અટકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.
માલદિવ્સના માફુસી વિસ્તારની આ ઘટના છે. પેલી બ્રિટિશ મહિલા પોલીસને એમ કહી રહેલી વિડિયો ક્લીપમાં સાંભળી શકાય છે કે તમે મારી છેડછાડ કરી રહ્યા છો.
માલદિવ્સના પોલીસ કમિશનર મોહમ્મદ હામિદે માફી માગતાં કહ્યું હતું કે પોલીસે ભૂલ કરી હતી. આ વર્તન યોગ્ય નહોતું. જો કે પોલીસે એવો દાવો કર્યો હતો કે અમને ગુરૂવારે સાંજે એક સંદેશો મળ્યો હતો કે આપત્તિજનક વસ્ત્રોમાં સજ્જ એક મહિલા નશામાં ઘૂમી રહી હતી. અમે ત્યાં પહોંચીને મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ અમારી વાત સાંભળવા જ તૈયાર નહોતી.
પોલીસે એને અટકાયતમાં લીધી હતી અને પોલીસ સ્ટેશને લઇ ગયા બાદ છોડી દીધી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38cuk2u
via Latest Gujarati News
0 Comments