ઘર ચલાવી શકાય એટલો ઈમરાન ખાનનો પગાર નથી ?

ઇસ્લામાબાદ તા.12 ફેબ્રુઆરી 2020, બુધવાર

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનો પગાર તેમનું ઘર ચલાવી શકે એટલો પણ નથી એવું ખુદ ઇમરાન ખાને કહ્યું હતું.

વેપારીઓ સાથેની એ્ક બેઠકમાં ઇમરાન ખાને આ વાત કહી હતી. વેપારીઓ સાથેની આ બેઠકમાં ઇમરાન ખાન વિવિધ ટેક્સ ભરવાની જરૂરિયાત વેપારીઓને સમજાવી રહ્યા હતા.

WION નામની ન્યૂઝ ચેનલને ઇમરાન ખાનના પગારની સ્લીપ હાથ લાગી ગઇ હતી.  એને પગલે આ વાતની જાણ સમગ્ર દુનિયાને થઇ ગઇ હતી. આ પગાર સ્લીપમાં જણાવાયા મુજબ ઇમરાનને ગ્રોસ પગાર પાકિસ્તાની રૂપિયા બે લાખ એક હજાર પાંચસો ચુમોતેર મળે છે. એમાંથી ટીડીએસ અને ટેક્સિસ વગેરે કપાતાં એના હાથમાં રૂપિયા 1,96,979 આવે છે. એક દેશના વડા પ્રધાન માટે આ પગાર ચણામમરા જેવો ગણાય.

ઇમરાન ખાને વિપક્ષી નેતાઓ પર એવો આક્ષેપ મૂક્યો હતો કે એ લોકો કરચોરી કરીને મબલખ કમાણી કરે છે.

હકીકતમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યારે અત્યંત કંગાળ છે અને અગાઉ પ્રગટ થયેલા સમાચાર મુજબ એક પરાઠો જોઇતો હોય તો રૂપિયા સાઠ આપવા પડે છે. જીવનજરૂરી ચીજોના ભાવ આસમાનને આંબે છે. જો કે ઇમરાન ખાનના પગારથી પાકિસ્તાનના કોઇ આમ આદમીનું ઘર સહેલાઇથી ચાલી શકે. પરંતુ એક દેશના વડા પ્રધાન માટે આ પગાર ચણામમરાથી વિશેષ ન ગણાય.

વર્લ્ડ બેંકના તાજેતરના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજારમાં તાજેતરમાં કિંમત 20 ટકા જેટલી ઘટી ગઇ હતી. પાકિસ્તાનના બજેટમાં પણ જંગી ખાધ નોંધાઇ હતી. ખુદ ઇમરાન ખાન વિવિધ દેશોમાં જઇને ત્યાં આર્થિક મદદ માગતા રહ્યા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tV9N3y
via Latest Gujarati News

Post a Comment

0 Comments