સઉદીએ ઓઇલ પ્રાઇઝ વોર શરૂ કરતા ક્રૂડનો ભાવ 30 ટકા ઘટીને 30 ડોલર


20 વર્ષમાં સઉદીએ ઓઇલના ભાવમાં કરેલો સૌથી મોટો ઘટાડો

રશિયા ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવા  સંમત ન થતાં સઉદી અરેબિયાએ ક્રૂડનો ભાવ ઘટાડીને ઓઇલ પ્રાઇઝ વોર શરૂ  કરી

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો સઉદી અરેબિયા અને રશિયા વચ્ચે સમજૂતી થશે નહીં તો ક્રૂડનો ભાવ 20 ડોલર સુધી જઇ શકે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 9 માર્ચ, 2020, સોમવાર

ઓઇલનું ઉત્પાદન ઘટાડવાના મુદ્દે ઓપેકના દેશો વચ્ચે સંમતિ સાધવામાં ન આવતા બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ આજે એક સમયે 30 ટકા તૂટીને 31 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો હતો. ઓપેક દેશો વચ્ચે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવા સંમતિ ન સધાતા સઉદી અરેબિયાએ પ્રાઇઝ વોરની શરૂઆત કરી દીધી છે. ઓપેકના દેશો વચ્ચેની બેઠકમાં ઉત્પાદન ઘટાડવા મુદ્દે રશિયા સંમત ન થતાં આ ક્રૂડનું ઉત્પાદન ઘટાડવા મુદ્દે સંમતિ સાધી શકાઇ ન હતી. 

સઉદી અરેબિયાએ ક્રૂડના ભાવમાં ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સઉદી અરેબિયા દ્વારા ક્રૂડના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાતને પગલે ક્રૂડના ભાવમાં 1991ના ખાડી યુદ્ધ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. 

આજના વેપાર દરમિયાન એક સમયે  ક્રૂડ 14.25 ડોલર એટલે કે 31.05 ટકા તૂટીને 31.02 ડોલરની સપાટી પર આવી ગયો હતો. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો સઉદી અરેબિયા અને રશિયા વચ્ચે સમજૂતી થશે નહીં તો ક્રૂડનો ભાવ 20 ડોલર સુધી જઇ શકે છે. 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રશિયા ટૂંક સમયમાં સઉદી અરેબિયા સાથે સમજૂતી કરે તેવું લાગી રહ્યું નથી. જો કે ક્રૂડના ભાવ ઘટવાને કારણે બંને દેશોને આર્થિક રીતે નુકસાન થશે. 

જો કે ઓઇલ પ્રાઇસ વોેરનો સામનો કરવા માટે સઉદી અરેબિયા કરતા રશિયાની નાણાકીય સ્થિતિ વધુ સારી છે. રશિયા પાસે 80 અબજ ડોલરનું નાણાકીય અનામત છે જે સઉદી અરેબિયા કરતા વધારે છે. જો કે ક્રૂડ ઓઇલનો ભાવ 25 ડોલરથી નીચે જશે તો રશિયા સઉદી અરેબિયા સાથે મંત્રણા કરવા તૈયાર થઇ શકે છે. 

સઉદી અરેબિયાએ એશિયા માટે એપ્રિલના ક્રૂડના ભાવમાં ચારથી છ ડોલર અને અમેરિકા માટે એપ્રિલના ક્રૂડના ભાવમાં સાત ડોલરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. છેલ્લા 20 વર્ષમાં સઉદી અરેબિયા દ્વારા ઓઇલના ભાવમાં કરવામાં આવેલો આ સૌથી મોટો ઘટાડો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VY02wY
via Latest Gujarati News

Post a Comment

0 Comments