
નવી દિલ્હી/મુંબઇ,તા.20 માર્ચ 2020 શુક્રવાર
ભારત સરકાર કોવિદ-૧૯ના ટેસ્ટિંગની સગવડ વિસ્તારવા કટિબદ્ધ બની છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (આઇસીએમઆર) દેશની ૫૧ ખાનગી હોસ્પિટલો અને લેબોરેટરીઝને વાયરસથી ફેલાતા આ ઘાટક રોગનું ટેસ્ટિંગ શરૂ કરવાની પરવાનગી આપવાની તૈયારીમાં છે. અત્યાર સુધીમાં દેશમાં ચાર વ્યક્તિથી કોરોના વાયરસનો ભોગ બની ચુકી છે. પ્રાઇવેટ લેબ્સમાં આવતા સપ્તાહથી કરોનાનું ટેસ્ટિંગ શરૂ થશે.
ઘણા નિષ્ણાતોએ કોરોનાની ચપેટમાં આવી ગયેલા વિદેશના પ્રવાસેથી પાછા ફરનાર વ્યક્તિમાં ઇન્ફેકશનના ચિન્હો દેખાય તો માત્ર એનું ટેસ્ટિંગ કરવાને બદલે ટેસ્ટિંગ પ્રોટોકોલ વિસ્તારીને કોરોનાના દર્દીઓની સંભાળ લેનાર પેરામેડીકલ સ્ટાફનું પણ ટેસ્ટિંગ કરવાની ભલામણ કરી હતી. છતાં ટેસ્ટિંગ પ્રોટોકોલમાં કોઇ બદલાવ નથી કરાયો. નિષ્ણાતોનું એવું માનવું છે કે ટેસ્ટિંગનો વ્યાપ વધારવાથી એ બાબતનો વધુ સારો નિર્દેશ મળશે કે આપણા દેશમાં આ રોગચાળો 'કોમ્યુનિટી ટ્રાન્સમિશન' (સામુહિક સંસર્ગ) ના ખતરનાક તબક્કામાં પહોંચ્યો છે કે કેમ.
ખાનગી હોસ્પિટલો અને લેબ્સમાં દરેક ટેસ્ટનો ચાર્જ રૂા.૫૦૦૦ની આસપાસ રખાશે એમ આધારભૂત સૂત્રે જમાવ્યું હતું.
અત્યારે દેશની ૭૨ સરકારી હોસ્પિટલોમાં કોવિદ-૧૯નું ટેસ્ટિંગ થાય છે એ ઉપરાંત એની ૫૧ ખાનગી લેબ્સમાં આ સુવિધા શરૂ થશે, જેને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન ઓફ લેબોરેટરીઝ (એનએબીએલ)ની માન્યતા મળી હોય. એનએબીએલ લેબ્સ માટે ટેસ્ટની એક્યુરસીના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરે છે. પ્રાઇવેટ લેબ્સે આઇસીએમઆર દ્વારા નક્કી કરાયેલા ટેસ્ટિંગના ધોરણો અનુસરવા પડસે અને એમણે કોરોનાના તમામ પોજિટીવ કેસની જાણ કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયને કરવાની રહેશે.
સરકાર તરફથી એકવાર લીલી ઝંડી મળી ગયા બાદ પ્રાઇવેટ લેબ્સ ચારથી પાંચ દિવસમાં કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરી દેવા જેટલી સજ્જ છે. ડૉ. લાલ અને એસઆરએલ જેવી ચેઇન્સ સહિત આઠ મોટી લેબ્સનું કન્સોર્ટિયમ મળીને કરોનાના રોજના ૮ થી ૯ હજાર ટેસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ab9tgP
via Latest Gujarati News
0 Comments