વૈશ્વિક સોનામાં 85 ડોલરનો પ્રચંડ કડાકો નોંધાતા ભાવ તૂટી 1600 ડોલરની અંદર


અમદાવાદ સોનું રૂ. 200 તૂટતા 44700 અને ચાંદી રૂ. 800 તૂટીને 46200ની સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 12 માર્ચ, 2020, ગુરૂવાર

ચીનના ઘાતક કોરોના વાયરસનો વ્યાપ વિશ્વના વિવિધ દેશોમાં ફેલાતાં વૈશ્વિક અર્થતંત્ર પર તેની નોંધપાત્ર માઠી અસર પડશે એવી ગણતરી વચ્ચે વૈશ્વિક સ્તરે આજે અમેરિકા, યુરોપ તથા એશિયાના શેરબજારો તૂટી રહ્યા હતા ત્યારે વિશ્વબજારમાં સોના તથા ક્રૂડતેલના ભાવમાં પણ મોટા ગાબડા પડયાના નિર્દેશો મળ્યા હતા.

સોનાના ભાવ વિશ્વબજારમાં ઔંશના જે બુધવારે1671થી 1672 ડોલર રહ્યા હતા તે આજે ગબડી નીચામાં એક તબક્કે 1589થી 1590 ડોલર સુધી ઉતરી ગયા હતા. આમ વૈશ્વિક સ્તરે આજે સોનાના ભાવમાં અભુતપુર્વ એવું એક દિવસીય આશરે 80થી 85 ડોલર જેટલું ગાબડું પડયું હતું.

વિશ્વબજાર પાછળ ઘરઆંગણે ઝવેરીબજારમાં આજે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ આશરે રૂ.1400થી 1500 ગબડયા હતા. જ્યારે ચાંદીના ભાવ આજે કિલોના રૂ.2500 જેટલા તૂટયા હતા.

મુંબઈ બજારમાં સોનાના ભાવ આજે જીએસટી વગર 10 ગ્રામના ગબડી 99.50ના નીચામાં રૂ.42000 થઈ ગયા હતા જ્યારે ચાંદીના ભાવ ગબડી કિલોના જીએસટી વગર 999ના નીચામાં રૂ.43500 સુધી જતા રહ્યા હતા. જોકે મોડી સાંજે વિશ્વબજારમાં સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાઈ 1592.50થી 1593 ડોલર તથા ચાંદીના ભાવ 16.00થી 16.05 ડોલર રહ્યાના સમાચાર હતા.

વિશ્વબજારમાં આજે કોરાનાના કહેર વચ્ચે ક્રૂડતેલના ભાવ 5થી 7 ટકા ગબડયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે મોડી સાંજે બેરલદીઠ 33.25થી 33.30 ડોલર બોલાઈ રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ઘટી સાંજે 30.60 ડોલર થઈ 31.35થી 31.40 ડોલર રહ્યા હતા.

ક્રૂડના વિવિધ ઉત્પાદક દેશો ઉત્પાદન વધારશે એવા નિર્દેશો હતા. વિશ્વબજારમાં સામાન્યપણે શેરબજારો ગબડે છે ત્યારે સોનાના ભાવ વધતા હોય છે પરંતુ આ વખતે શેરો સાથે સોનું પણ ગબડયું છે એ વિશે જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. આ વિશે જાણકારોના જણાવ્યા મુજબ શેરોમાં થયેલું નુકસાન સરભર કરવા તથે શેરોના સોદામાં ઉભી થયેલી પેમેન્ટની જવાબદારી નિભાવવા વૈશ્વિક સ્તરે ફંડો તથા ઈન્વેસ્ટરો સોનું વેંચવા નિકળ્યાની ચર્ચા હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W4MIqN
via Latest Gujarati News

Post a Comment

0 Comments