- જીડીપીના ચાર ટકા નુકસાન થવાનું બ્રિટિશ બ્રોકરેજ બાર્કલેસનું તારણ
- માત્ર 21 દિવસના લોકડાઉનને કારણે ભારતીય અર્થતંત્રને 90 અબજ ડોલરનું નુકસાન થશે
- આરબીઆઇ આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં વ્યાજ દરોમાં 0.65 ટકા ઘટાડો કરે તેવી શક્યતા
મુંબઇ, તા. 26 માર્ચ 2020, ગુરૂવાર
કોરોનાને કારણે ભારતીય અર્થતંત્રને 120 અબજ ડોલર(9 લાખ કરોડ રૂપિયા)નું થશે એટલે કે જીડીપીના 4 ટકા જેટલુ નુકસાન થશે તેમ નિષ્ણાતોએ એક નિવેદનમાં જણાવ્યું છે. નિષ્ણાતોએ વિકાસનો અંદાજ ઘટાડી દીધો છે અને તાત્કાલિક નાણાકીય પેકેજ જાહેર કરવાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ) ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિ માસિક નાણાકીય નીતિની સમીક્ષા ત્રણ એપ્રિલના રોજ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.
બ્રિટિશ બ્રોકરેજ બાર્કલેસના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસને કારણે ભારતીય અર્થતંત્રને 120 અબજ ડોલર એટલે કે જીડીપીના ચાર ટકાનું નુકસાન થશે.
તેના જણાવ્યા અનુસાર માત્ર 21 દિવસના લોકડાઉનને જ કારણે દેશના અર્થતંત્રને 90 અબજ ડોલરનું નુકસાન થશે.
તેણે વધુમાં જણાવ્યું છે કે અમારા અંદાજ મુજબ આરબીઆઇ પોતાની આગામી દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષામાં વ્યાજ દરમાં 0.65 ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે. સમગ્ર વર્ષમાં વ્યાજ દરમાં એક ટકા સુધીનો ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે.
જો કે ડોમેસ્ટિક બ્રોકરેજ એમ્કેએ ઝડપી કાર્યવાહી કરવા બદલ નીતિ ઘડનારાઓની પ્રશંસા કરી છે. જો કે ભારત સરકારે કોરોના વાઇરસના સંબધમાં આર્થિક મોરચે અત્યાર સુધી કોઇ મોટી જાહેરાત કરી નથી.
ઉલ્લેખનીય છે કે ભારતનું બિનસંગઠિત સેક્ટર અગાઉથી જ નોટબંધી અને જીએસટીને કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે 21 દિવસના લોકડાઉનને કારણે તેમની સ્થિતિ વધુ ખરાબ થશે.
નિર્મલા સિતારમને મંગળવારે જણાવ્યું હતું કે ભારત સરકાર આર્થિક સહાય પેકેજ તૈયાર કરી રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dt30Qo
via Latest Gujarati News
0 Comments