
પૂણે, તા. 23 માર્ચ, 2020, સોમવાર
હાલ કોરોના વાઇરસ દેશમાં ફેલાઇ ચુક્યો છે, આવી સ્થિતિમાં આ વાઇરસનો ચેપ કોને લાગ્યો છે તેની તપાસ સૌથી મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે ત્યારે કોરોના વાઇરસની તપાસ કરતી પહેલી ભારતમાં બનેલી માયલેબ કીટને કમર્સીયલ હેતુ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
અત્યાર સુધી ભારતમાં જર્મનીની બનાવટની કિટનો ઉપયોગ કોરોના વાઇરસની તપાસ માટે થતો હતો હવે ભારતમાં બનેલી કિટનો ઉપયોગ પણ થવા લાગશે. પૂણે સ્થિત માયલેબ ડિસકવરી સોલ્યૂશન્સ પ્રા. લિ. કંપની કે જે આ પ્રકારની કિટ બનાવવા માટે જાણીતી છે તેણે માયલેબ પેથોડિટેક્ટ કોવિડ-19 ક્વોલિટેટિવ પીસીઆર કિટ તૈયાર કરી છે.
આ કિટ સંપૂર્ણપણે ભારતમાં બની છે અને તેને ઇન્ડિયન એફડીએ/સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) દ્વારા કમર્સિયલ વેચાણ માટે માન્યતા આપવામાં આવી છે. માયલેબ ભારતની એક માત્ર એવી કંપની બની છે કે જેની બનાવેલી કિટને મંજૂરી આપવામાં આવી છે.
માયલેબના ડાયરેક્ટર હસમુખ રાવલે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમે આ કિટને ડબલ્યૂએચઓ (વિશ્વ આરોગ્ય સંસ્થા) અને સીડીસીની જે ગાઇડલાઇન છે તેને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. આ કિટને વેચાણ માટેની માન્યતા મળી જતા હવે કોરોના વાઇરસની તપાસ કરવામાં વધુ સરળતા રહેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QHJuG5
via Latest Gujarati News
0 Comments