કોરોના વર્લ્ડવાઈડ

દુનિયાભરના નેતાઓની અપિલ : ઘરમાં જ રહો
કોરોનાને કારણે હવે સમગ્ર જગતના નેતાઓ પ્રજાને અપિલ કરવા લાગ્યા છે કે લોકો કારણ વગર ઘરની બહાર ન નીકળે. હવે તો સ્થિતિ એવી છે કે સામાન્ય કામગીરી હોય તો પણ બહાર નીકળવાની મનાઈ થઈ ગઈ છે. જોકે ભારતમાં જ પ્રજા કારણ વગર માત્ર લટાર મારવા નીકળી રહી છે. બાકી મોટા ભાગના દેશોએ સ્વેચ્છાએ ઘરે રહેવાની રણનીતિ અપનાવી છે.
પાકિસ્તાન : કોરોનાગ્રસ્ત સાથે સેલ્ફી લેતાં સસ્પેન્ડ
પાકિસ્તાનમાં કોરોના પોઝિટિવ દરદી સાથે સેેલ્ફી લેનારા 6 અધિકારીઓની સસ્પેન્ડ કરી દેવાયા છે. ખિરપુર જિલ્લામાં એક વ્યક્તિને કોરોના થયો હતો. રેવન્યુ વિભાગમાં કામ કરતા તેના સાથી અધિકારીઓએ તેની સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર મુકી હતી. પરિણામે તેમના વિરૂદ્ધ કડક પગલાં લેવાયા હતા. દક્ષિણ એશિયાના સંગઠન સાર્કમાં સૌથી વધુ અસર પાકિસ્તાનને થઈ છે. ત્યાં અત્યાર સુધીમાં 800થી વધારે દરદી નોંધાયા છે. પરંતુ રાષ્ટ્રની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સરકાર કડક પગલાં લેવામાં ખચકાઈ રહી છે.
બહાર નીકળનારનું મોબાઈલ ટ્રેકિંગ
સરકારની સૂચના ન માનીને બહાર નીકળનારા લોકો આખી દુનિયામાં છે. એમને પકડવા માટે તાઈવાને ઈલેક્ટ્રોનિક ફેન્સિંગ સિસ્ટમ અપનાવી છે. બહાર નીકળનારો દરેક વ્યક્તિ અચૂક પોતાનો મોબાઈલ ફોન સાથે રાખે જ. તાઈવાન સરકારે દરેક મોબાઈલ ફોન ટ્રેક કરવાની શરૂઆત કરી દીધી છે. મોબાઈલ ક્યાં ઘૂમી રહ્યો છે, તેના આધારે તેનો માલિક ઘરની બહાર નીકળ્યો કે નહીં એ જાણી શકાય છે. મોબાઈલ દ્વારા નજર રાખવાની શરૂઆત કરનારો તાઈવાન જગતનો પ્રથમ દેશ બન્યો છે. એ પછી રશિયાએ પણ આ રીત અપનાવી છે.
વાઈરસે વિશ્વને એક કર્યું
વિશ્વના દરેક દેશોની પોતાની સમસ્યાઓ છે. વિવિધ દેશો વિવિધ મુદ્દે અન્ય દેશો સામે લડી રહ્યાં છે. પરંતુ વાઈરસની સ્થિતિમાં આખી દુનિયાએ એક થવું પડયું છે. 21મી સદીમાં જગત પર આવેલી આ સૌથી મોટી આફત છે. માનવ ઇતિહાસમાં ક્યારેય ન જોવા મળી હોય એવી ઇમર્જન્સીની સ્થિતિ અત્યારે આખા વિશ્વમાં જોવા મળી રહી છે. બીજી તરફ વિશ્વમાં લગભગ શાંતિ છવાઈ ગઈ છે. વિશ્વશાંતિની વાતો તો અનેક થતી હોય, પરંતુ ખરેખર શાંતિની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. વિવિધ દેશોની સરહદે થતી ગોળીબારી પણ બંધ છે. આખુ વિશ્વ એક થયું છે. માટે કોરોનાને શાંતિનું નોબેલ પ્રાઈઝ પણ આપી શકાય એવી કટાક્ષપૂર્ણ ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી હતી.
ક્વૉરન્ટાઈન તોડનારને 26 લાખનો દંડ
ક્વૉરન્ટાઈન એટલે કે એકાંતવાસનો નિયમ તોડનારા માટે તાઈવાન સરકારે 33 હજાર ડૉલર (26 લાખ રૂપિયા) જેવો આકરો દંડ કર્યો છે. થોડા દિવસ પહેલા જ નિયમનો ભંગ કરનારને આ દંડ કરાયો હતો. જરૂર પડશે તો આ રકમ વધારાશે.
જર્મન ચાન્સેલર એકાંતવાસમાં
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ પોતે એકાંતવાસ (કવૉરન્ટાઈન)માં ચાલ્યા ગયા છે. કેમ કે તેઓ એક ડૉક્ટરને મળ્યા હતા. પછાળથી ખબર પડી હતી કે એ ડૉક્ટરને કોરોના છે, માટે તેના સંપર્કમાં આવેલા સૌ કોઈ ક્વૉરન્ટાઈન થઈ રહ્યા છે. પોતાની જવાબદારી સમજીને ચાન્સેલર એન્જેલા પણ એકાંતમાં ચાલ્યા ગયા છે. આફ્રિકા ખંડના દેશ બોત્સવાનાના પ્રમુખ મોકાગ્વેત્સી પણ સેલ્ફ ક્વૉરન્ટાઈનમાં જતા રહ્યા છે.
ટ્વિટર સાચી માહિતીને પ્રાથમિકતા આપશે
ટ્વિટર પર કોરોના વિશે માહિતી મુકાતી રહે છે. કેટલી સાચી અને કેટલી ખોટી એ માહિતીની ખરાઈ કર્યા વગર લોકો સાચી માની લેતા હોય છે અને ફોરવર્ડ પણ કરતાં હોય છે. એ સંજોગોમાં ટ્વિટરે સાચી માહિતીને પ્રેફરન્સ આપવાનું નક્કી કર્યું છે. ટ્વિટર પરના સત્તાવાર એકાઉન્ટને બ્લુ ટિકનો સિમ્બોલ મળે છે. આવા એકાઉન્ટ પર જે માહિતી મુકવામાં આવી હશે, તેને ટ્વિટર અગ્રિમતા આપશે. બ્લુ ટિક મોટે ભાગે નેતા, અભિનેતા, સરકારી અધિકારી, સરકારી ઓફિસો, સંસ્થાઓને મળતી હોય છે. જોકે થોડા સમય પહેલા ટેસ્લા મોટર કંપનીના માલિક અને ટેકનોક્રેટ એલમ મસ્કે કોરોના અંગે ગેરમાર્ગે દોરનારી ટ્વિટ મુકી હતી, જે ટ્વિટરે હજુ સુધી હટાવી નથી.
સિંગાપોરે પાણી પહેલા પાળ બાંધી હતી
માત્ર એક જ ટાપુ પર વસેલો હોવા છતાં સિંગાપોરની ગણતરી દુનિયાના અગ્રણી દેશોમાં થાય છે, કેમ કે દરેક સ્થિતિને પહોંચી વળવાની તૈયારી ત્યાંની સરકારે કરી રાખી છે. સત્તર વર્ષ પહેલા 2002-03માં જ્યારે સાર્સનો પ્રકોપ આવ્યો ત્યારે જ સિંગાપોરે એપિડેમિક સામે લડવાની તૈયારી કરી દીધી હતી. એ વખતે જ આખા દેશમાં એવુ ઈન્ફ્રાસ્ટ્ર્કચર ઉભું કરી દેવાયું કે રોગચાળાની તુરંત જાણકારી મળે. ચીનમાં રોગચાળો ફેલાયો એ સાથે જ સિંગાપોરે સરહદ સિલ કરીને નાગરિકોની તપાસ શરૂ કરી દીધી હતી. પરિણામે ચીનને અડકીને આવેલો હોવા છતાં ત્યાં 509 કેસ અને માંડ 2 મોત નોંધાયા છે.
રશિયાએ કઈ રીતે રોગચાળો કાબુમાં રાખ્યો?
રશિયામા ંહજુ સુધી કોરોનાના સવા ચારસો જેટલા કેસ જ નોંધાયા છે. બીજી તરફ રશિયાની વસતી 14.6 કરોડ જેટલી છે. ત્રીજી તરફ રશિયાની સરહદ ચીનને સ્પર્શે છે. માટે એ સવાલ થઈ રહ્યો છે કે રશિયાએ કઈ રીતે રોગચાળા પર કાબુ મેળવ્યો હશે? રશિયાએ ઝડપથી પગલાં ભરવાની શરૂઆત કરી હતી. જેમ કે રશિયાએ જાન્યુઆરીની 30મી તારીખે જ ચીન સાથેની સરહદ સિલ કરી દીધી હતી. શંકમંદોના ટેસ્ટ કરવાની પણ રશિયાએ જાન્યુઆરીથી જ શરૂઆત કરી તેમને અલગ કરી દીધા હતા. માટે રશિયામાં રોગચાળો કન્ટ્રોલમાં રહ્યો છે. બીજી તરફ રશિયાને ઓળખનારા ઘણા લોકો રશિયાની સરકારના દાવા પર શંકા કરી રહી છે. રશિયામાં વધારે કેસ હોય એમ તેમનું માનવું છે.
રશિયામાં તો શાંતિ છે, પરંતુ રશિયાની હરકત બીજા દેશોમાં અશાંતિ સર્જાય એવી છે. રશિયાના સરકારી રિપોર્ટ અને સરકારી અખબાર-ચેનલોમાં એવા રિપોર્ટ આવી રહ્યા છે કે પશ્ચિમના અમુક દેશો વાઈરસ ફેલાવી રહ્યા છે. પરિણામે લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે.
કિટને દવા સમજીને લોકોએ મેસેજ ફોરવર્ડ કર્યા
દક્ષિણ કોરિયાએ કોરોના ટેસ્ટિંગ માટે કિટ તૈયાર કરી છે. એ કિટના ફોટા કોરોનાની દવા કે રસી હોય એ રીતે લોકો ફોરવર્ડ કરી રહ્યા છે. કોરોના સામે લડવામાં સૌથી મોટો અવરોધ વૉટ્સઅપ પર ખોટા મેસેજ ફેલાવતા લોકોને કારણે સર્જાઈ રહ્યો છે. દક્ષિણ કોરિયાની સરકારે મંજૂરી આપ્યા પછી દર અઠવાડિયે 3 લાખ કિટની નિકાસ થઈ શકશે અને જરૂરિયાતમંદ દેશોને પહોંચાડી શકાશે. કોરોનાના કિસ્સામાં ટેસ્ટ કરીને ચેપ ઓળખવો એ એકમાત્ર રસ્તો છે. સામે પક્ષે તેનો ટેસ્ટ અઘરો હોવાથી બધા બધી લેબોરેટરીમાં થઈ શકતો નથી. એ માટે ખાસ કિટની જરૂર પડે છે. દક્ષિણ કોરિયાએ આસાનીથી અને ઝડપથી ટેસ્ટ થઈ શકે એ માટે કિટ વિકસાવી છે. આ કિટનો પહેલો જથ્થો યુરોપિયન દેશ રોમાનિયામાં નિકાસ પામે એવી શક્યતા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xjFZ1I
via Latest Gujarati News
0 Comments