મધ્ય પ્રદેશમાં થશે બહુમત પરીક્ષણ? સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ

ભોપાલ, તા. 18 માર્ચ 2020 બુધવાર

મધ્યપ્રદેશમાં જારી રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ ધારાસભ્યો તરફથી કોર્ટમાં દાખલ વકીલ દુષ્યંત દવેએ કહ્યુ, આજે અમે એક અજીબ સ્થિતિમાં છીએ. મધ્યપ્રદેશની જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ કર્યો હતો. તે દિવસે એક પ્રદેશમાં સૌથી મોટી પાર્ટીએ વિશ્વાસ પ્રસ્તાવ જીત્યો હતો. 

જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચ સમક્ષ દવેએ કહ્યુ, ગત 18 મહિનાથી એક સ્થિર સરકાર કાર્ય કરી રહી છે. તેમણે ન્યાયાલયને જણાવ્યુ કે ભાજપે બળનો ઉપયોગ કર્યો છે તે સંભવત: લોકતાંત્રિક સિદ્ધાંતોને નષ્ટ કરી શકે છે.

મધ્ય પ્રદેશમાં મંગળવારે જ વિશ્વાસમત પ્રક્રિયા હાથ ધરવાનો આદેશ રાજ્યપાલ લાલજી ટંડને આપ્યો હતો. જોકે હવે રાજ્યની ભાજપ અને કોંગ્રેસ બન્ને સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે.

ભાજપે વહેલા વિશ્વાસમતની માગણી કરી હતી જે મુદ્દે સુપ્રીમે સરકાર પાસેથી જવાબ માગ્યો છે. જ્યારે હવે મધ્ય પ્રદેશ કોંગ્રેસે પણ સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવતા કહ્યું હતું કે અમારા ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે. અને તેનો અમારે સંપર્ક કરવાનો છે પણ નથી થઇ રહ્યો. 

આ પહેલા ભાજપે વહેલા વિશ્વાસમત માટે જે અરજી કરી હતી તેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, કોર્ટે મધ્ય પ્રદેશ સરકારને બુધવારે પોતાનો જવાબ રજુ કરવા આદેશ આપ્યો હતો.

ભાજપ વતી આ અરજી પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કરી હતી. જ્યારે કોંગ્રેસ પક્ષે બાદમાં સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી હતી તેમાં એવી દલીલ કરી હતી કે અમારા ધારાસભ્યોને કેન્દ્ર સરકાર કર્ણાટક સરકારે બંધક બનાવીને રાખ્યા છે અને તેેથી જવાબદાર સામે કાયદાકીય પગલા લેવામાં આવે.

સાથે અમારા ધારાસભ્યોને હાલના વિધાનસભાના સત્રમાં ભાગ લેવાદેવાની છુટ આપવામાં આવે.  સાથે એવી પણ માગણી કરવામાં આવી હતી કે રાજ્યપાલ લાલજી ટંડને મધ્ય પ્રદેશ વિધાનસભામાં મંગળવારે જ વિશ્વાસમત પ્રાપ્ત કરવાનો જે આદેશ આપ્યો હતો તેને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરીને રદ કરી દેવામાં આવે.

બીજી તરફ પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહે રાજ્યપાલ લાલજી ટંડનની મુલાકાત યોજી હતી, જેમાં વર્તમાન કમલનાથ સરકાર દ્વારા બે દિવસમાં જે પણ નિર્ણય લેવાયા તેને રદ કરી દેવામાં આવે તેવી માગણી કરી હતી અને દાવો કર્યો હતો કે સરકાર પાસે હાલ બહુમત નથી આવી સિૃથતિમાં તેણે જે પણ નિર્ણયો લીધા છે તે ગેરબંધારણીય છે. 

તેથી હાલ મધ્ય પ્રદેશનો નિર્ણય હવે સુપ્રીમ કોર્ટના હાથમાં છે અને બુધવારે આ મામલે સવારે સુનાવણી કરવામાં આવશે.  સુપ્રીમ કોર્ટમાં જે અરજીઓ થઇ છે તેને લઇને રાજ્યપાલ, સ્પીકર, સરકાર અને બળવાખોર ધારાસભ્યો પાસેથી જવાબ માગ્યો છે અને બુધવારે સવારે આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2whMhyD
via Latest Gujarati News

Post a Comment

0 Comments