માલ્કમ માર્શલે જ્યારે ફ્રેકચર થયા બાદ એક હાથે બેટિંગ કરી...!!

અમદાવાદ, તા. 27 માર્ચ 2020 શુક્રવાર

ડોક્ટર : ‘અરે, પણ તારા હાથમાં બે ફ્રેક્ચર છે. શા માટે બેટિંગ કરવા જાય છે. ’

પ્લેયર : ‘મારી ટીમને આજે મારી ખૂબ જ જરૂર છે.’

ડોક્ટર : ‘તું રમવા માટે જઇશ તો તારે આજીવન ખોડનો સામનો કરવો પડી શકે છે. ’

પ્લેયર : આઇ ડોન્ટ કેર. હું ઇશ્વરનો એ વાત માટે આભારી છું કે મારો એક હાથ તો કામ કરે છે ને...’

આજથી બરાબર  સાડા ત્રણ દાયકા  અગાઉ 14 જુલાઇ 1984ના દિવસે વેસ્ટ ઇન્ડીઝના લેજન્ડ માલ્કમ માર્શલ અને તેમના ડોક્ટર વચ્ચે કંઇક આવો જ સંવાદ થયો હતો. વાત એમ બની કે, હેડિંગ્લે ટેસ્ટ મેચમાં

પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડના 270 રન નોંધાવ્યા હતા. આ પ્રથમ ઇનિંગ્સ દરમિયાન ક્રિસ બ્રોડ (સ્ટુઅર્ટ બ્રોડના પિતા) દ્વારા ફટકારવામાં આવેલા એક  પાવરફુલ   શોટને રોકતી વખતે માલ્કમ માર્શલને ડાબા હાથ અને અંગૂઠા એમ બે સ્થાને ફ્રેક્ચર આવ્યું હતું.


ડોક્ટરે માર્શલને ઓછામાં ઓછા 10 દિવસ માટે આરામની સલાહ આપી. જવાબમાં પ્રથમ ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 9 વિકેટે 290 થઇ ગયો હતો અને ત્યારે લેરી ગોમ્સ 96 રને રમતમાં હતા. જોએલ ગાર્નર તરીકે 9મી વિકેટ પડતા જ લેરી ગોમ્સે એમ વિચારીને પેવેલિયન તરફ પ્રયાણ શરૂ  કર્યું કે હવે માર્શલ બેટિંગ માટે આવે તેની કોઇ જ સંભાવના નથી. પરંતુ અચાનક જોયું તો ડ્રેસિંગ રૂમમાંથી માર્શલ એક હાથથી બેટ ગોળ ફરાવતા આવી રહ્યા હતા.

માર્શલે 16 બોલ સુધી એક હાથે બેટિંગ કરીને 4 રન કર્યા હતા અને સાથી પ્લેયર ગોમ્સને સદી પૂરી કરવામાં તેમજ ટીમની લીડ વધુ મજબૂત કરવામાં પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી. માર્શલે એલોટની બોલિંગમાં ગલીમાં એવી પાવરફૂલ બાઉન્ડ્રી પણ ફટકારી હતી કે ઇંગ્લેન્ડના પ્લેયર પણ તાળી પાડવાથી પોતાને રોકી શક્યા નહોતા. આ સમગ્ર ઇનિંગ્સ દરમિયાન માર્શલના ચહેરા પર દર્દ નહીં પણ સતત સ્મિત જોવા મળ્યું.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33NpqY4
via Latest Gujarati News

Post a Comment

0 Comments