મુંબઇ નજીકની દરિયાઇ ખાડીઓ અને નદીઓ સાફસૂથરાં થઇ ગયા

- કાસર્ડી, વાલ્ધુની અને ફલ્હાસ નદીઓ તથા તળોજા, નવાપુર, વસઇ, કલ્યાણ અને વાશીની ખાડીઓમાં કારખાના ઉદ્યોગોમાંથી પ્રદૂષિત કચરો નથી ઠલવાતો


મુંબઇ તા.28 માર્ચ 2020, શનિવાર

કોરોના વાઇરસના  ફફડાટથી અને વકરતી જતી પરિસ્થિતિને કાબૂમાં લેવા મુંબઇ સહિત સમગ્ર ભારતમાં ૨૧ દિવસનો લોકડાઉન જાહેર થયો છે. આ લોકડાઉનનો સૌથી મોટો અને મહત્વનો લાભ થયો છે. પર્યાવરણને છેલ્લા ત્રણ-ચાર દિવસથી મુંબઇમાં પ્રદૂષણની  માત્રા લગભગ ૯૦ ટકા જેટલી ઘટી ગઇ છે. હવાની ગુણવત્તા ઉત્તમ રહી છે. સાથોસાથ મુંબઇ નજીકની તળોજા, ઉલ્હાસ, નવાપુર, વસઇ, કલ્યાણ અને વાશીની દરિયાઇ ખાડી તથા વાલ્ધુની, ઉલ્હાસ, કાસર્ડી વગેરે નદીઓ પણ સાફસૂથરી થઇ હોવાના સમાચાર જાણવા મળે છે.

મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ નિગમ (એમ.પી.સી.બી.)ના ઉચ્ચ અધિકારીઓએ સત્તાવાર રીતે એવી માહિતી આપી હતી કે લોકડાઉનને કારણે મુંબઇ આજુબાજુની સમુદ્રી ખાડીઓમાં નદીઓમાં અને નાળામાં ઠલવાતો  પ્રદૂષિત કચરો, ઉદ્યોગો-કારખાનામાંથી વહેલું હાનીકારક રસાયણ વગેરેની માત્રામાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. પરિણામે આ બધી દરિયાઇ ખાડી, નદીઓ અને નાળાં આજુબાજુ વસતા નાગરિકો તેમના શ્વાસના પ્રમાણમાં ઘણી શુદ્ધ હવા લઇ રહ્યા છે. વાતાવરણમાં ફેલાતી દુર્ઘધની માત્રા પણ ઘણી ઘટી ગઇ છે.

એમ.પી.સી.બી.નાં આ ઉચ્ચ સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે તળોજા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી કાસર્ડી નદીમાં સતત પ્રદૂષિત કચરો અને ગંદકી ઠલવાઇ રહ્યા છે. જોકે, છેલ્લા થોડા દિવસથી અમલમાં આવેલા લોકડાઉનને કારણે આ નદીમાંથી ફેલાતી દુર્ગંધની માત્રા પણ ઓછી થઇ ગઇ છે. આવા સાફસૂથરી વાતાવરણને કારણે નદી અને નજીકના વિસ્તારમાં ઘણાં પક્ષીઓ પણ દેખાઇ રહ્યાં છે. વળી સ્વચ્છ નદી અને શાંત વાતાવરણનો આનંદ પણ આ રંગબેરંગી પંખીઓ માણી રહ્યાં છે.

બીજી બાજુ ઉલ્હાસ નદી અને વાલ્ધુની નદીમાં પણ પ્રદૂષણની માત્રા ઘણી ઓછી થઇ ગઇ હોવાનું આ વિસ્તારના રહેવાસીઓએ પણ જણાવ્યું હતું. આ બંને નદીઓમાં કલ્યાણ, અંબરનાથ અને બદલાપુરના ઔદ્યોગિક એકમોમાંથી સતત પ્રદૂષિત કચરો અને ગંદકી ઠલવાતા હોય છે. વાલ્ધુની નદીની સરખામણીએ કલ્યાણ નદી વધુ સ્વચ્છ થઇ છે. હજી પણ  કલ્યાણ, ઉલ્હાસનગર અને અંબરનાથમાંથી પસાર થતા નાળામાંની ગંદકી વાલ્ધુની નદીમાં ઠલવાઇ રહી છે.

લોકડાઉનથી મુંબઇની હવાની ગુણળત્તા સુધરી

કોરોનાની જીવલેણ મહામારીને રોકવા અને નાથવા મુંબઇ સહિત આખા ભારતમાં લોકડાઉન જાહેર થયો છે. આ સરકારી આદેશથી ૧ કરોડ ૨૦ લાખની પ્રચંડ વસતિ ધરાવતા મુંબઇ મહાનગરના રસ્તા પર દોડતા અસંખ્ય વાહનો અને સતત ધમધમતાં કારખાના ઉદ્યોગો થંભી ગયાં છે. પરિણામે મુંબઇના વાતાવરણમાં પ્રદૂષિત વાયુઓનાં વાદળો ફેંકાતા બંધ થયા છે. મુંબઇનું આકાશ ચોખ્ખું ચણક દેખાય છે. હવાની ગુણળત્તા ઘણી સારી રહી છે.

સિસ્ટમ ઓફ એર કવોલિટી વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (સફર)નાં સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઇની હવાની ગુણવત્તા ખરેખર સારી થઇ છે અને તેનો આંક ૭૬ નોંધાયો છે. જે ઉત્તમ હોવાનો નિર્દેશ કરે છે. હવાની ગુણળત્તાનો આંક ૫૧-૧૦૦ આરોગ્ય માટે હાનીકરક નથી હોતો. જોકે ચેમ્બુરની હવાની ગુણળત્તા સૌથી ખરાબ રહી હતી. જ્યારે અંધેરી સૌથી સ્વચ્છ રહ્યું હતું. આજે શનિવારે પણ હવાની ગુણવત્તાનો આંક (૧૦૧-૨૦૦) મધ્યમ સ્તરનો રહ્યો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UnLIN3
via Latest Gujarati News

Post a Comment

0 Comments