
(એએફપી) બગદાદ, તા. 9 માર્ચ, 2020, સોમવાર
ઇરાકી દળોની સાથોસાથ રહીને કરાયેલી લશ્કરી કાર્યવાહી દરમિયાન ઇરાકસ્થિત ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) જૂથ સાથે લડતાં બે અમેરિકી સૈનિકોના મોત થયાં છે, એમ જેહાદીવિરોધી સાથી-દળોએ જણાવ્યું.
શત્રૂ-દળોએ અમેરિકાના બે સર્વિસ મેમ્બર્સ (સૈનિકો)ને મારી નાખ્યા છે. ઉત્તર મધ્ય ઇરાકસ્થિત પર્વતીય વિસ્તારોમાં આવેલા આઇએસઆઇએસ ત્રાસવાદીઓના ગઢને સાફ કરવા જતા બે અમેરિકી સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો, એમ સાથી-દળોએ એક યાદીમાં જણાવ્યું.
યાદીમાં મૃત અમેરિકી સૈનિકોના નામનો ઉલ્લેખ કરાયો નથી, પરંતુ તેઓ ઇરાકના સુરક્ષા દળોને સલાહ અને સાથ-સહકાર પૂરા પાડી રહ્યા હતા. આઇએસ દ્વારા સપાટાબંધ કરાયેલા હુમલામાં ઉત્તર ઇરાકનો ઘણા ખરા ભાગ અને સિરિયાના મોટાભાગ પર કબજો જમાવાયો એ પછી અમેરિકાના નેતૃત્વમાં કાર્યરત સાથી-દળોએ 2014થી ઇરાકી દળોને તાલીમ અને હવાઇ સહાય પૂરા પાડયા છે.
જૂથે 'કેલિફેટ' (ખલીફાને સંબંધિત પરિસ્થિતિ)ની ઘોષણા કરી હતી અને ઇસ્લામિક કાનૂનના નિર્દયી સ્વરૂપનો અમલ કર્યો હતો. સાથી-દળો સમર્થિત ઇરાકી લશ્કરે ભારે લડાઇમાં તમામ શહેરી મથકોમાંથી જેહાદીઓને હાંકી કાઢી ડિસેમ્બર 2017માં વિજયની ઘોષણા કરી હતી.
સાથી-દળોએ ત્યારથી જેહાદીઓના સ્લીપર-સેલને પરાસ્ત કરવા માટે હવાઇ હુમલા અને જાસૂસી પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ.ં જો કે અમેરિકાએ જાન્યુઆરીમાં ઉચ્ચ સ્તરીય ઇરાની જનરલ કાસમ સુલેમાનીને બગદાદ એરપોર્ટ ખાતે ડ્રોન હુમલામાં મારી કાઢીને ઇરાકી નેતાઓનો રોષ વ્હોરી લીધો હતો.
આ હુમલો ઇરાકના સાર્વભૌમત્વનો ભંગ મનાયો હતો, જેના પગલે અમેરિકી દળોને વિદાય કરવાની માગણી ઉઠી હતી. ઇરાકી સંસદે દેશમાંથી બધા વિદેશી દળોને હાંકી કાઢવાની તરફેણ કરી હતી અને સાથી-દળો સાથેની સંયુક્ત ઇરાકી કાર્યવાહી ત્રણ સપ્તાહ સુધી અટકાવી દેવાઇ હતી, જે જાન્યુઆરીના અંત ભાગે શરૂ કરાઇ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TU4hqy
via Latest Gujarati News
0 Comments