
નવી દિલ્હી, તા. 14 માર્ચ 2020, શનિવાર
ઓપેક દેશો વચ્ચે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવા સંમતિ ન સધાતા સઉદી અરેબિયાએ પ્રાઇઝ વોરની શરૂઆત કરી દીધી છે. પ્રાઇઝ વોરના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટવાને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની આશા પ્રજા રાખી હતી. જોકે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત નહીં આપીને એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લીટરે રૂ.3નો વધારો કર્યો છે જે 14 માર્ચથી અમલમાં આવશે. પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીના વધારાથી સરકારને વધારાની રૂ.2000 કરોડની આવક થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. દેશની ઓઇલ કંપનીઓએ ઇંધણના ભાવમાં હાલ ઘટાડોએ કર્યો છે. હવે જોવાનું તે રહેશે કે તેલ કંપનીઓ આ વધારાનો બોજો ગ્રાહકને માથે મારશે કે પોતે વહન કરશે.
એક્સાઈઝ ડ્યુટી વધારતા આમ આદમીને કોઈ રાહત નહીં
કોરોના વાયરસથી પ્રેરિત મંદીના ભયને કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવોમાં કડાકો બોલાયો હતો. આ બાદ ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું હતું. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઘટતાં દેશમાં પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટવાની શક્યતા જોવા મળી રહી હતી. જો સરકાર એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લેતાં ક્રૂડની કિંમતોમાં ઘટાડાથી સામાન્ય જનતાને રાહત મળવાની શક્યતા ઘણી જ ઓછી થઇ ગઈ છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો છત્તાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ
અત્રે નોંધનીય છે કે સપ્તાહ અગાઉ ઓઇલનું ઉત્પાદન ઘટાડવાના મુદ્દે ઓપેકના દેશો વચ્ચે સંમતિ સાધવામાં ના આવતા બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 30 ટકા તૂટીને 31 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો હતો. ઓપેક દેશો વચ્ચે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવા સંમતિ ન સધાતા સઉદી અરેબિયાએ પ્રાઇસ વોરની શરૂઆત કરી હતી. ઓપેકના દેશો વચ્ચેની બેઠકમાં ઉત્પાદન ઘટાડવા મુદ્દે રશિયા સંમત ન થતાં આ ક્રૂડનું ઉત્પાદન ઘટાડવા મુદ્દે સંમતિ સાધી શકાઇ ન હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QcIaL4
via Latest Gujarati News
0 Comments