
હરિદ્વાર,તા.19 માર્ચ 2020 ગુરૂવાર
હરિદ્વારના શ્રી નિર્મલ પંચાયતી અખાડાની દિવંગત હાથણી 'પવનકલી'ની સ્મૃતિમાં સંત મહાપુરુષોએ શાંતિપાઠનું આયોજન કર્યું હતું અને તેને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
અનેક મહાકુંભ મેળા અને અર્ધકુંભ મેળા દરમિયાન હરિદ્વારના શ્રી નિર્મલ પંચાયતી અખાડાના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનેલી 'પવનકલી' હાથણીનું ગત બે માર્ચના રોજ કેન્સરની બીમારીના કારણે અવસાન થયું હતું. લાંબા સમયથી શહેરના વિવિધ ધાર્મિક આયોજનોની શાન બનેલી દિવંગત હાથણી 'પવનકલી'ને અખાડા તરફથી 'સાધ્વી'નો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો હતો અને તેની સ્મૃતિમાં સમાધિ સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પવનકલી ૧૨ વર્ષની હતી તે સમયે ૧૯૭૪માં તેને બિહારથી કુંભમાં લાવવામાં આવી હતી અને ત્યારથી તે અખાડાના સંતોની અતિ પ્રિય બની ગઈ હતી.
પવનકલીને ભૂસમાધિ આપવામાં આવી તે સમયે પણ સંતોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને તેમણે આંસુભરી આંખે તેને અંતિમ વિદાય આપી હતી.
૨૦૦૯માં વન વિભાગના અધિકારીઓ વન્ય જીવોને પોતાના પાસે ન રાખી શકાય તેવા કાયદાનો હવાલો આપીને પવનકલીને લઈ ગયા હતા અને જંગલમાં છોડી મુકી હતી. તે સમયે પવનકલીએ જંગલમાં ખાવા-પીવાનું છોડી દીધું હતું અને અખાડાના સંતોએ પણ કાયદાકીય લડાઈમાં વિજય મેળવીને પવનકલીને નિર્મલા છાવણીમાં પાછી લાવીને પ્રસાદનું વિતરણ કર્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QxNg4G
via Latest Gujarati News
0 Comments