કોરોના વાઇરસની આડમાં ઓનલાઇન છેતરપિંડી વધી

નવી દિલ્હી, તા. 24 માર્ચ 2020 મંગળવાર

ઇન્ટરપોલ (આંતરરાષ્ટ્રીય ગુનાહિત પોલીસ સંગઠન) એ સમગ્ર દુનિયાના લોકોને કોરોના વાઇરસની આડમાં ફાયદો ઉઠાવનાર સાયબર ગુનેગારો અને ઓનલાઇન ફ્રોડ કરનારાઓથી સાવધાન રહેવા કહ્યું છે.

ઇન્ટરપોલે જણાવ્યું છે કે, સર્જિકલ માસ્ક અને સેનિટાઇઝર જેવી મેડિકલ સામગ્રીને ઓનલાઇન ખરીદી કરતી વખતે ખાનગી માહિતી શક્ય હોય તેટલી ગોપની રાખવી, કારણ કે સાયબર ગુનેગારો આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને નાણાકીય રીતે છેતરપિંડી કરી રહ્યા છે.

સંગઠનની સામે અત્યાર સુધી આ પ્રકારની છેતરપિંડીના 30 કેસ આવ્યા છે. આ ઘટનાની ચેઇન એશિયા અને યુરોપ સાથે જોડાયેલી છે. એક જાણકારી અનુસાર સાઇબર ગુનેગારો અત્યાર સુધી લોકોને લાખો ડોલરનું નુકસાન પહોંચાડી ચૂક્યા છે.

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને પરિણામે સર્જિકલ માસ્ક અને સેનિટાઇઝરની ભારે માંગ બજારોમાં જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં અનેક વેબસાઇટ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ સામે આવ્યા છે જેઓ આ મેડિકલ સપ્લાયને ઓનલાઇન વેચવાનો દાવો કરી રહી છે.

લોકો આ પ્રકારની વેબસાઇટ અને અકાઉન્ટ પર વિશ્વાસ કરીને ઓનલાઇન ઓર્ડર આપી રહ્યાં છે પરિણામ સ્વરૃપ તેમને મેડિકલ સામગ્રી તો મળતી નથી અને પૈસા પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ સંબંધમાં ઇન્ટરપોલના મહાનિર્દેશક જર્ગન સ્કોટે જણાવ્યું છે કે, કોરોના વાઇરસને કારણે સર્જાયેલા પરિસ્થિતિઓ અને અનિશ્ચિચતતાનો ફાયદો ઉઠાવીને સાયરબ ગુનેગારો સામાન્ય લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. જે પણ વ્યક્તિ ઓનલાઇન માધ્યમથી મેડિકલ સપ્લાય ખરીદવાનું વિચારે છે તેઓ વેબસાઇટ કે સોશિયલ મીડિયા અકાઉન્ટની વિશ્વસનિયતાને ચકાશે અને પછી ઓર્ડર કરે. નહીં તો તેઓ આ ગુનેગારોના સકંજામાં આવી શકે છે અને પૈસા ગુમાવી શકે છે. જાણકારી અનુસાર આ પ્રકારના મામલાઓમાં હજારો ડોલરની છેતરપિંડી સામે આવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J73bmu
via Latest Gujarati News

Post a Comment

0 Comments