
નવી દિલ્હી, ૯,માર્ચ,૨૦૨૦, સોમવાર
સામાન્ય રીતે રામલીલાનું મંચન નવરાત્રિ અને દશેરાના તહેવારમાં થતું હોય છે પરંતુ બરેલી ભારતનું એક માત્ર સ્થળ કે જયાં છેલ્લા ૧૬૦ વર્ષથી હોળીના તહેવારમાં રામલીલા અને રામબારાતનુ મહત્વ છે એટલું જ નહી પરંપરાગત રીતે રામ સિતાના લગ્ન અને લગ્નગીતો પણ ગવાય છે. આ પરંપરા આજકાલ કરતા ૧૮૬૧થી ચાલી આવે છે. રામલીલા ભજવવા માટે અયોધ્યાથી કલાકારો આવે છે. રામલીલાના પ્રસંગ મુજબ સીતાનો સ્વયંવર અને રામના લગ્ન થાય છે. બરેલીની હોળીની બીજી ખાસિયત રામબારાત પણ છે. રામની જાન નિકળે ત્યારે માનવ મહેરામણ ઉમટે છે.
રામબારાત એક બે કલાક નહી ૨૦ કલાક સુધી ચાલે છે.હોલિકા દહનના દિવસે રાતે ૧૦ વાગે નૃસિંહ મંદિરથી નિકળતી બારાત બરેલી શહેરનું ભ્રમણ કરીને પછીના દિવસે સાંજે ૬ થી ૭ વાગે નૃસિંહ મંદિર પરત આવે છે. રામ બારાતમાં વિવિધ રંગો અને કેસૂડાના ફૂલોની છોળો ઉડાડવામાં આવે છે. રામલીલા શા માટે ભજવવામાં આવે છે આ અંગે પંડિતોનું માનવું છે કે સ્કંદપુરાણમાં રાવણવધની તિથિ વર્ણન ચૈત્ર સુદ એકાદશી દર્શાવી છે. આથી રામલીલાનું મંચન થતું હોય એ જ ગાળામાં હોળીનો તહેવાર પણ આવે છે. એક કિવંદતિ એવી પણ છે કે હનુમાનજી તુલસીદાસને દરેક ઋતુકાળ દરમિયાન રામલીલા દર્શાવવા જણાવ્યું હતું. રામચરિત્રએ દેશનો આત્મા છે જે તેનું મંચન કરવાથી યુવાઓના ચારિત્રના વિકાસમાં મદદરુપ બનશે.
આવી જ રીતે હરદોઇ શહેરમાં પણ જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી રામલીલાનું મંચન થાય છે. તેનું આયોજન શ્રીરામલીલા મેલા કમિટી કરે છે. આ દરમિયાન જ હોળીનો તહેવાર આવે છે આથી હરદોઇવાસીઓ હોળીના તહેવારમાં રામલીલાના રંગે રંગાઇ જાય છે. સૌથી નવાઇની વાત તો એ છે કે આ પરંપરા હરદોઇમાં જ જોવા મળે છે જયારે તેના ગ્રામીણ વિસ્તારોમાં રાબેતા મુજબ નવરાત્રિ અને દિવાળી એ જ રામલીલા મંચન થાય છે. હરદોઇને હિરણાકશ્યપ અને પ્રહલાદની નગરી તરીકે ઓળખવામાં આવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W1lscr
via Latest Gujarati News
0 Comments