કોરોનાને પગલે NPRની પ્રક્રિયા અનિશ્ચિત સમય સુધી સ્થગિત

નવી દિલ્હી, તા. 26 માર્ચ 2020, ગુરૂવાર

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે એનપીઆરને અપડેટ કરવાની પ્રક્રિયા અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દીધી છે.

એનપીઆરની પ્રક્રિયા અનેક રાજ્યોમાં એક એપ્રિલથી શરૂ થવાની હતી. જો કે કોરોના વાઇરસના વધતા સંક્રમણ અને તેના સંભવિત ખતરાઓને ધ્યાનમાં રાખી ગૃહ મંત્રાલયે આગામી આદેશ સુધી એનપીઆરને અપડેટ કરવાની પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે 2021ની વસ્તી ગણતરી બે તબક્કામાં પૂર્ણ કરવાની યોજના હતી. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી ઘરોની ગણતરી અને તેને સુચીબદ્ધ કરવાનું કાર્ય હતું. બીજા તબક્કામાં 9 થી 28 ફેબ્રુઆરી, 2021 સુધી વસ્તી ગણતરીનું કાર્ય કરવાની યોજના હતી.

કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે.

આ સમય દરમિયાન જીવન જરૂરી સેવાઓને બાદ કરતા તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવશે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોને કડકપણે લોકડાઉનનો પાલન કરાવવાનો આદેશ આપ્યો છે.

કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સરકારે લોકોને સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ સ્થિતિમાં એનપીઆર પ્રક્રિયા શરૂ કરવી મુશ્કેલ હોવાથી અનિશ્ચિત સમય સુધી આ પ્રક્રિયા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે તે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને એનપીઆરની પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33Mogfu
via Latest Gujarati News

Post a Comment

0 Comments