
મુંબઈ, તા. 22 એપ્રિલ 2020, બુધવાર
કોરોનાવાઈરસની ભારતના વેપાર-ઉદ્યોગ પર પડી રહેલી ગંભીર અસરને ધ્યાનમાં રાખતા આવનારા મહિનાઓમાં રોજગારો જોખમમાં મુકાવાની શકયતા ઊભી થઈ છે કારણ કે કંપનીઓ પોતાના કર્મચારીબળની સંખ્યા ઘટાડવા તરફ વિચારી રહી છે, એમ એક સર્વેમાં જણાવાયું છે. કોવિડ-૧૯ને કારણે છેલ્લા કેટલાક સપ્તાહથી આથક પ્રવૃત્તિઓ એકદમ જ પડી ભાંગી છે. કંપનીઓએ વેપાર વિસ્તરણ યોજનાને પણ અભરાઈએ ચડાવી દીધી છે.
ઉદ્યોગ સંસ્થા ફિક્કી તથા અન્ય દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં વિવિધ ક્ષેત્રોની ૩૮૦ જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. પોતાના ભાવિને લઈને વેપાર ઉદ્યોગો હાલમાં અભૂતપૂર્વ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. હાલની સ્થિતિથી પોતાના વેપાર પર અતિ ગંભીર અસર પડી રહી છે એમ સર્વેમાં ભાગ લેનારામાંથી ૭૨ ટકા સહભાગીઓએ જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષમાં પોતાના વેપાર માટે માગનું આઉટલુક પોઝિટિવ રહેવાની પોતે કોઈ શકયતા જોતા નથી એમ મોટાભાગના લોકોએ મત વ્યકત કર્યો હતો. વર્તમાન નાણાં વર્ષમાં વેચાણ વૃદ્ધિ નકારાત્મક રહેવાની ૭૦ ટકા કંપનીઓએ ધારણાં વ્યકત કરી હતી. આ ઉપરાંત કેશફલો તથા ઓર્ડર બુકમાં પણ જોરદાર ઘટાડો જોવાઈ રહ્યો છે.
સરકાર જો તાત્કાલિક આથક પેકેજ જાહેર નહીં કરે તો, અસંખ્ય કંપનીઓ કાયમ માટે બંધ પડી જશે જે ફરી પાછી બેઠી નહીં થઈ શકે, એમ પણ સર્વેમાં તારણ નીકળ્યું હોવાનું ફિક્કી દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારતીય અર્થતંત્રમાં કોરોનાની અસર અભૂતપૂર્વ એવી ઝડપી રહી છે અને ભવિષ્યને લઈને એકદમ અનિશ્ચિતતા જોવાઈ રહી છે.
ભારતના ઉદ્યોગ-ધંધાએ છેલ્લા કેટલાક દાયકામાં સાધેલી પ્રગતિ કોરોનાવાઈરસની અસરને કારણે ધોવાઈ જશે. દેશમાં રોજગાર તથા ઉદ્યોગોને ટકાવી રાખવા હશે તો નોંધપાત્ર ટેકા તાત્કાલિક જાહેર કરવાના રહેશે એમ ફિક્કી દ્વારા જણાવાયું છે.
વેપાર ઉદ્યોગ ચાલુ રાખવા પૂરતી માત્રામાં લિક્વિડિટી પૂરી પાડવાની રહેશે. માગને ટેકો પૂરો પાડવા સરકાર સતત પગલાં લેતી રહેશી તેવી પણ રિપોર્ટમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. ૬૧ ટકા કંપનીઓએ પોતાના વેપારની વિસ્તરણ યોજનાને ૬થી ૧૨ મહિના સુધી મુલત્વી રાખવાનો પણ નિર્ણય લઈ લીધો હોવાનું સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cGoiJ0
via Latest Gujarati News
0 Comments