
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 22 એપ્રિલ 2020, બુધવાર
કોરોનાવાઈરસને પરિણામે આર્થિક સંકટમાં આવી ગયેલા વિશ્વના અનેક દેશો વિદેશમાં પડેલા પોતાના ગોલ્ડ રિઝર્વને પોતાના દેશમાં પાછું લાવી રહ્યાના અહેવાલો છે. આ ગોલ્ડ ગમે ત્યારે બજારમાં વેચવા માટે આવી શકે છે. બીજી બાજુ માગના અભાવે અમેરિકામાં ક્ડ તેલનો સ્ટોકસ ૧૩૨ લાખ બેરલ વધીને ૫૦ કરોડ બેરલ પર આવી ગયું છે. વિશ્વ બજારમાં અનિશ્ચિત વેપાર વાતાવરણ વચ્ચે ફન્ડ હાઉસો ડોલર વેચીને ગોલ્ડ તરફ વળતા ગઈકાલના ઘટયા મથાળેથી ગોલ્ડ આજે બાઉન્સબેક થતા ઘરઆંગણે પણ ગોલ્ડના ભાવ ફરી ઊંચકાયા હતા. જો કે ઔદ્યોગિક મંદ માગને પરિણામે ચાંદી નરમ રહી હતી. રૂપિયા સામે ડોલર સાધારણ નબળો પડયો હતો.
ગોલ્ડ ૯૯.૫૦ના જીએસટી વગરના દસ ગ્રામના ભાવ જે ગઈકાલે સ્થાનિક બજારમાં રૂપિયા ૪૫૪૧૦ હતા તે આજે વિશ્વ બજાર પાછળ વધીને રૂપિયા ૪૫૯૦૦ રહ્યા હતા. ૯૯.૯૦ ગોલ્ડના દસ ગ્રામના ભાવ રૂપિયા ૪૫૫૯૩ પરથી વધી રૂપિયા ૪૬૦૮૫ રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના રૂપિયા ૪૧૭૦૦ વાળી આજે નીચામા રૂપિયા ૪૧૦૩૦ થઈ છેવટે રૂપિયા ૪૧૬૦૦ બંધ રહી હતી. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. આથક મંદીને પરિણામે ચાંદીની ઔદ્યોગિક માગ નરમ રહે છે.
વિશ્વ બજારમાં ગોલ્ડના એક ઔંસના ભાવ જે ગઈકાલે ૧૬૭૨ ડોલર હતા તે આજે ઉછળીને મોડી સાંજે ૧૬૯૬ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૧૪.૭૯ ડોલરવાળી ૧૪.૮૯ ડોલર બોલાતી હતી. પ્લેટિનમ ઔંસ દીઠ ૭૨૮ ડોલરથી વધી ૭૫૨ ડોલર તથા પેલેડિયમ ૧૯૬૮ ડોલરવાળું ૧૯૬૫ ડોલર બોલાતું હતું.
અર્થતંત્રમાં ફેલાયેલી મંદીને કારણે જર્મની, તુર્કી., પોલેન્ડ, નેધરલેન્ડ જેવા દેશોએ વિદેશમાં પડેલા પોતાના ટનબંધ ગોલ્ડ રિઝર્વને દેશમાં પાછું મંગાવી લીધું છે. આ ગોલ્ડ ગમે ત્યારે બજારમાં વેચવા માટે આવી શકે છે એમ જાણકારોનું માનવું છે. જર્મનીએ પેરિસ તથા ન્યુયોર્ક વોલ્ટસમાંથી ૫૮૩ ટન્સ, પોલેન્ડે ઈન્ગલેન્ડ ખાતેથી ૧૦૦ ટન્સ, નેધરલેન્ડસે ઈન્ગલેન્ડ ખાતેથી ૧૨૨ ટન્સ તથા તુર્કીએ ફેડરલ રિઝર્વ ખાતેથી ૨૨૦ ટન્સ સોનું પાછું મંગાવી લીધું હોવાના અહેવાલ છે.
અમેરિકાની સેનેટે કોરોના સામેની લડત માટે ૪૮૪ અબજ ડોલરનું વધુ એક પેકેજ મંજુર કરતા ડોલર ઈન્ડેકસ દબાણ હેઠળ આવ્યો હતો. અમેરિકાએ વધુ ડોલરનું પ્રિન્ટિંગ કરવાની ફરજ પડશે. સ્થાનિક કરન્સી બજારમાં ડોલર ૧૬ પૈસા ઘટી ૭૬.૬૮ રૂપિયા, પાઉન્ડ ૭૬ પૈસા તૂટી ૯૪.૪૪ રૂપિયા તથ યુરો ૪ પૈસા વધી ૮૩.૨૩ રૂપિયા બંધ રહ્યો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cEBsGt
via Latest Gujarati News
0 Comments