
મુંબઈ, તા. 22 એપ્રિલ 2020, બુધવાર
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆ)એ બોરોઅરોને તેમની લોન્સના હપ્તાની ચૂકવણીમાં ત્રણ મહિના સુધી પૂરા પાડેલા મોરેટોરિઅમનો જો દેશની લગભગ દરેકે દરેક કંપની લાભ લેતો આ કંપનીઓના હાથમાં રૂપિયા ૨.૧૦ ટ્રિલિયન જેટલી લિક્વિડિટી ઉપલબ્ધ બનશે એમ એક અભ્યાસમાં જણાયું છે.
રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે, દેશના ૧૦૦ ક્ષેત્રોમાં રેટિંગ સાથેની ૯૩૦૦ જેટલી નોન-ફાઈનાન્સિઅલ કંપનીઓ જો મોરોટોરિઅમનો લાભ લે તો તેમના હાથમાં રૂપિયા ૨.૧૦ ટ્રિલિયન જેટલી લિક્વિડિટી ઉપલબ્ધ બનશે.
ઊંચા લિવરેજ સાથેના ક્ષેત્રો જેમ કે, પાવર, ટેલિકોમ, સ્ટીલ, ટેકસટાઈલને આનાથી સૌથી મોટી રાહત મળશે. રૂપિયા ૨.૧૦ ટ્રિલિયનની લિક્વિડિટીમાંથી ૪૭ ટકા લિક્વિડિટી ઊંચા લિવરેજ ક્ષેત્રમાં ઉપલબ્ધ બનશે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વર્તમાન વર્ષના ૧લી માર્ચથી ૩૧મી મે દરમિયાન મૂળ રકમ અને વ્યાજની ચૂકવણીની આવતી જવાબદારીને આ મોરેટોરિઅમ લાગુ કરવાનું રિઝર્વ બેન્કે જાહેર કર્યું છે. આ મોરેટોરિઅમને કારણે નોંધપાત્ર લાભ જોવાઈ રહ્યો છે તેમ છતાં પગારની ચૂકવણીનો આધાર પગાર તારીખે કેટલી લિક્વિડિટી ઉપલબ્ધ રહે છે તેના પર રહેશે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
આઈટી તથા ઓટોમોબાઈલ ક્ષેત્રનું લિવરેજ ઘણું નીચું છે જેથી તેમને મોરેટોરિઅમનો પ્રમાણમાં ઓછો લાભ થશે. લોકડાઉન દરમિયાન કંપનીઓના ખર્ચ કરતા મોરેટોરિઅમની રકમનો આંક ઊંચો જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાવાઈરસને કારણે દેશના અર્થતંત્ર પર પડેલી ગંભીર અસરમાંથી વેપાર-ઉદ્યોગને રાહત પૂરી પાડવા સરકાર તથા રિઝર્વ બેન્ક વિવિધ પગલાં જાહેર કરી રહી છે.
આ પગલાંના ભાગરૂપ આરબીઆઈએ ધિરાણ દરમાં ઘટાડા ઉપરાંત લોન્સના હપ્તાની ચૂકવણીમાં પણ રાહત પૂરી પાડી છે. જેથી ઉદ્યોગો પોતાના કર્મચારીઓને પગારની ચૂકવણી કરી શકે. બેન્કો વધુને વધુ ધિરાણ પૂરા પાડી શકે તે માટે રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કર્યો છે જેથી બેન્કો પોતાની પાસેની વધારાની લિક્વિડિટી આરબીઆઈમાં જમા કરાવવા કરતા ઉદ્યોગોને ધિરાણ પૂરા પાડવામાં ઉપયોગ કરે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zlv5cN
via Latest Gujarati News
0 Comments