ઘરઆંગણે ખાદ્યતેલોના ભાવ હાજર બજારમાં ઘટયા જ્યારે વાયદાના ભાવ આંચકા પચાવી ફરી ઊછળ્યા


- દિવેલ અને હાજર એરંડામાં ઘટયાભાવથી તેજીનો ચમકારો: વાયદા બજારમાં કામકાજનો સમય આજથી અમલી બને તે રીતે રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધીનો કરાયો


મુંબઈ, તા.૨૨ એપ્રિલ 2020, બુધવાર

મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ નરમ રહ્યા હતા. નવી માગ પાંખી હતી. વિશ્વબજારના સમાચાર જોકે, ઘટયામથાળે ટેકો બતાવી રહ્યા હતા. અમેરિકા ખાતે શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૬૩ પોઈન્ટ ઘટયા પછી આજે સાંજે પ્રોજેક્શનમાં ૧૧ પોઈન્ટ ઊંચો બોલાઈ રહ્યો હતો.

 દરમિયાન, મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો નજીકની ડિલિવરીમાં ૩ પોઈન્ટ નરમ જ્યારે દૂરની ડિલિવરીમાં ૧૦ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો, જ્યારે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ ૨.૫૦થી ૫.૦૦ ડોલર ઘટયા હતા. દરમિયાન, વાયદા બજાર એમસીએક્સના એક પરિપત્ર મુજબ વાયદા બજારનાં કામકાજનો સમય જે સાંજે પાંચ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો, તે ફરી પાછો ગુરૂવારથી અમલમાં આવે તે રીતે સવારે ૯થી રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧,૩૪૦થી રૂ.૧,૩૫૦, પામતેલના ઘટી રૂ.૭૪૦થી રૂ.૭૪૫, ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) કંડલાના ભાવ રૂ.૬૪૫, સોયાતેલના ભાવ ઘટી ડીગમના રૂ.૭૮૫થી રૂ.૭૯૦ જ્યારે રિફાઈન્ડના રૂ.૮૩૫, સનફ્લાવરના રૂ.૮૫૦ તથા રિફાઈન્ડના રૂ.૯૨૦, કપાસિયા તેલના રૂ.૮૩૫ તથા રાઈસબ્રાન તેલના રૂ.૮૨૦ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ દિવેલના હાજર ભાવ આંચકા પચાવી રૂ.૮ વધી રૂ.૮૫૮થી રૂ.૮૭૮ રહ્યા હતા, જ્યારે હાજર એરંડાના ભાવ રૂ.૪,૧૫૦વાળા રૂ.૪,૧૯૦ બોલાયા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવ વધુ રૂ.૫૦૦ તૂટયા હતા, જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૩૪,૪૩૫થી ગબડી રૂ.૩૪,૦૦૦ની અંદર ઊતરી રૂ.૩૩,૪૯૦ બોલાઈ રહ્યા હતા. જોકે, અન્ય ખોળ શાંત હતા.દરમિયાન, વાયદા બજારમાં આજે સોયાતેલનો વાયદો નીચામાં રૂ.૭૪૩ રહ્યા પછી ઊછળી સાંજે રૂ.૭૭૭.૨૦ બોલાયો હતો, જ્યારે સીપીઓનો વાયદો નીચામાં રૂ.૬૧૨.૪૦ થઈ સાંજે વધી રૂ.૬૨૮.૮૦ બોલાઈ રહ્યો હતો. રાજકોટ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧,૨૯૦થી રૂ.૧,૩૦૦ તથા ૧૫ કિલોના રૂ.૨,૦૫૦થી રૂ.૨,૦૬૦, જ્યારે કોટન વોશ્ડના ભાવ રૂ.૭૭૫થી રૂ.૭૭૮ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, પાકિસ્તાનથી મળેલા સમાચાર મુજબ ત્યાંની સરકારે ખાદ્યતેલોની આયાત પરની વધારાની ૨ ટકા ઈમ્પોર્ટ ડયૂટી દૂર કર્યાના નિર્દેશો મળ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eP1aKz
via Latest Gujarati News

Post a Comment

0 Comments