
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 23 એપ્રિલ 2020, ગુરૂવાર
વિશ્વ બજારમાં ફન્ડવાળા ડોલર વેચી ગોલ્ડ તરફ વળતા સ્થાનિકમાં ગોલ્ડના ભાવમાં ફરી ઉછાળો આવ્યો હતો. અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી તંગદિલી વધવાના એંધાણે ક્ડ તેલના ભાવ ઉછળ્યા હતા. ઘરઆંગણે મુખ્ય કરન્સીઓ સામે રૂપિયામાં મજબૂતાઈ જોવાઈ હતી.
લોકડાઉન વચ્ચે સ્થાનિકમાં સોનાચાંદીના જાહેર થયેલા બેન્ચમાર્ક ભાવમાં ગોલ્ડ ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે રૂપિયા ૪૫૯૦૦ હતા તે આજે વધીને રૂપિયા ૪૬૩૫૦ રહ્યા હતા જ્યારે ગોલ્ડ ૯૯.૯૦ના ભાવ રૂપિયા ૪૬૦૮૫થી વધી રૂપિયા ૪૬૫૩૬ રહ્યા હતા. જીએસટી સાથે ગોલ્ડના ભાવ ત્રણ ટકા ઊંચા રહ્યા હતા. જીએસટી સાથે ગોલ્ડના ભાવ ફરી ૪૮૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. ગોલ્ડની પાછળ સ્થાનિકમાં ચાંદી .૯૯૯ જે ગઈકાલે એક કિલોના રૂપિયા ૪૧૬૦૦ હતી તે આજે જીએસટી વગર રૂપિયા ૪૨૫૦૦ રહી હતી. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં ગોલ્ડ પ્રતિ ઔંસ ૧૬૯૬ ડોલરવાળું વધીને મોડી સાંજે ૧૭૨૮ ડોલર તથા ચાંદી ઔંસ દીઠ ૧૪.૮૮ ડોલરવાળી વધીને ૧૫.૩૫ ડોલર રહી હતી. પ્લેટિનમ ૭૫૨ ડોલર પરથી વધી ૭૭૦ ડોલર જ્યારે પેલેડિયમ એક ઔંસ ૧૯૬૫ ડોલર વાળું વધીને ૧૯૮૫ ડોલર બોલાતું હતું. ફન્ડવાળા ડોલર ઈન્ડેકસ વેચીને કિંમતી ધાતુમાં રોકાણ તરફ વળી રહ્યા છે.
અમેરિકન પ્રમુખે ઈરાન મામલે સખતાઈ રાખવા પોતાની નેવીને સૂચના આપતા મધ્યપૂર્વમાં ફરી તંગદિલી સર્જાવાના સંકેતે ક્ડ ઓઈલમાં ઝડપી ઉછાળો આવ્યો હતો. ક્ડ ઉત્પાદક દેશો ઉત્પાદન કાપને વહેલો લાગુ કરવા પણ વિચારી રહ્યા હોવાના અહેવાલે ભાવને ટેકો પૂરો પાડયો છે. નાયમેકસ ક્ડ એક બેરલના ૧૬.૨૦ ડોલર જ્યારે બ્રેન્ટ ક્ડ વધીને ૨૨.૨૫ ડોલર બોલાતા હતા.
ભારતીય શેરબજારોમાં આવેલા ઉછાળાના ટેકાએ મુખ્ય કરન્સીઓ સામે રૂપિયો આજે મજબૂત બન્યો હતો. ઈન્ટ્રાડેમાં ડોલર ૭૬ની અંદર જઈને ૭૫.૯૭ રૂપિયા થઈને છેવટે ૭૬.૦૭ રૂપિયા બંધ આવ્યો હતો. પાઉન્ડ ૩૦ પૈસા ઘટી રૂપિયા ૯૪.૧૪ તથા યુરો ૭૫ પૈસા ઘટી ૮૨.૪૭ રૂપિયા રહ્યો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KtFjKv
via Latest Gujarati News
0 Comments