
મુંબઇ, તા.૨3 એપ્રિલ, 2020, ગુરૂવાર
કોવિડ-૧૯નો આતંક હવે તો મહારાષ્ટ્રમાં મુંબઇમાં વધુ છે પરંતુ એની શરૂઆત પૂણેમાં થઇ હતી. હવે આજે પણ પૂણે મહારાષ્ટ્રના ડેઝિગ્નેટ રેડ ઝોનમાં બરકરાર છે. કોરોનાવાઇરસ દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો માટે ૨૨મી એપ્રિલ એક ખાસ દિવસ હતો. ૨૨મીએ ઓછામાં ઓછા ૭૫૩ દરદીઓને રીકવર થયેલા ઘોષિત કર્યા હતા. જેમાં ત્રણ વરસનો એક ભૂલકો અને એની ૯૨ વરસની દાદીનો સમાવેશ થાય છે.
પૂણેના મેયરે ઉપરોક્ત બાબત ટ્વિટરના માધ્યમથી જણાવી હતી. એમણે મેડિકલ સમુદાયનો આભાર માનતા કહ્યું કે ૭૫૩ દરદીઓ સાજા થઇને ઘરે ગયા જેમાં ૯૨થી ત્રણના વયજૂથના દર્દીઓનો સમાવેશ થાય છે.
૯૨ વરસની વયોવૃદ્ધ મહિલા સાજી થઇ એ બાબતની પ્રતિક્રિયા આપતા ડોક્ટરોએ કહ્યું હતું કે પહેલેથી અન્ય દર્દોથી પીડાતા દર્દીઓ પણ કોવિડ-૧૯ના કહેરથી બચી શકે છે. આ વૃદ્ધા તાજેતરમાં સ્ટ્રોકનો ભોગ બની હતી અને આમ છતા એ સાજી થઇ શકી હતી.
મહારાષ્ટ્રમાં કોરોના દરદીઓની સંખ્યા ઘટવાના સંકેત, દરરોજ ૧૩ ટકા દરદીને ડિસ્ચાર્જ
રાજ્યના ૧૪ હોટસ્પોર્ટ ઘટીને માત્ર પાંચ શહેરો : આરોગ્ય પ્રધાન
કોરોનાના રોગચાળામાં ફસાયેલા નાગરિકો માટે સારા સમાચાર છે કે રાજ્યમાં કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે. હવે કોરોનાગ્રસ્ત દરદીઓનું સાજા થવાનું પ્રમાણ વધી ગયું છે. રાજ્યમાં દરરોજ ૧૩ ટકા લોકો સાજા થઇને ઘરે જઇ રહ્યા છે. માત્ર એક જ ટકા દરદીને સારવારની વધુ જરૂર છે. એવી માહિતી રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપી હતી.
રાજ્યમાં બુધવારે ૧૫૦ દરદીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. ગત થોડાક દિવસથી રાજ્યમાં દરદી સાજા થઇ રહ્યા છે. અને નવા દરદી નોંધાવાનું પ્રમાણ ઘટી રહ્યું હોવાનો દાવો રાજેશ ટોપેએ કર્યો હતો.
ખાસ તો સાજા થઇને ઘરે જવામાં ૯૧ થી ૧૦૦ વર્ષની વચ્ચેના નાગરિકોનો સમાવેશ થાય છે. રાજ્યમાં ૮૩ ટકા લોકોમાં કોરોનાના લક્ષણો નથી. જ્યારે ૧૭ ટકા લોકોમાં લક્ષણ સૌમ્ય સ્વરૂપના છે. રાજ્યમાં કોરોનાને લીધે થનારો મૃત્યુ દર ૭ પરથી ઘટીને ૫ ઉપર આવ્યો છે. કોરોનાને લીધે થનારા મૃત્યુના અભ્યાસ માટે બે સમિતિની સ્થાપના કરી હતી. એવી માહિતી રાજેશ ટોપેએ આપી હતી.
રાજ્યમાં શરૂઆતમાં કુલ ૧૪ હોટ સ્પોટ હતા. હવે સંખ્યા ઘટીને પાંચ પર આવી છે. મુંબઇ મહાનગર પરિસર, પુણે, મહાનગર પરિસર, નાગપુર અને નાશિક એમ હોટસ્પોટ છે. પરંતુ માલેગાંવ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. રાજ્યમાં દરરોજ ૭ હજાર કોરોનાની ચકાસણી કરાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S0PCtE
via Latest Gujarati News
0 Comments