
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 27 એપ્રિલ, 2020, સોમવાર
આજે બોરીવલી (પશ્ચિમ)ની હાઉસિંગ સોસાયટીઓમાં મુંબઈ પોલીસની ઉમદા ફરજ પરસ્તી માટે અભિનંદન, તાળીઓના ગડગડાટ શંખનાદ સાથે પુષ્પવર્ષાનો અદ્ભૂત માહોલ સર્જાયો હતો.
હાલ આખા મુંબઈને કોરોનાની મહામારીએ જબરો ભરડો લીધો છે. ત્યારે આખા મહાનગરનું રક્ષણ રવા શહેર પોલીસ છેલ્લા એક મહિનાથી રાત દિવસ ફરજ બજાવી રહી છે. સાથોસાથ મુંબઈગરામાં કોરોનાની મહામારીથી બચવા જાગૃતિ અભિયાન પણ ચલાવી રહી છે.
જાગૃતિ અભિયાનના જ એક હિસ્સારૃપે આજે બોરીવલી ((વેસ્ટ)ની વિશાળ પોલીસ ટુકડી અને એસ.આર.પી.ની ફોજે એસ.વી. રોડની સુમેરનગર, પુષ્પ વિનોદ,જ્વાલા એસ્ટેટ, પુષ્પાપાર્ક ઉપરાંત સોનીવાડી, કેદારનાથ વગેરે સોસાયટીઓમાં પરેડ કરીહતી. આ તમામ સોસાયટીની જનતાએ તાળીઓના ગડગડાટ, શંખનાદ અને ફૂલોની વર્ષા કરીને મુંબઈ પોલીસનું લાગણીસભર અભિવાદન કર્યું હતું. પોલીસની પરેડમાં મોટર સાયકલ, લાલ-વાદળી સિગ્નલ લાઈટવાળી મોટરકાર અને રમખાણો દરમિયાન ખાસ ઉપયોગમાં લેવાતી બખ્તરિયા ગાડી પણ સામેલ હતી.
બોરીવલીની જનતાના આવા ઉમળકાભેર અભિવાદનથી પોલીસ ઓફિસરો અને કોન્સ્ટેબલોના ચહેરા પર આનંદ અને સંતોષ છવાઈ ગયાં હતાં. પોલીસ ટુકડીએ જનતાને લોકડાઉનનો ચૂસ્ત અમલ કરવાનો અને આરોગ્યની ખાસ કાળજી રાખવાની માર્ગદર્શિકાનો સંદેશો પણ આપ્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aIflO7
via Latest Gujarati News
0 Comments