વિશ્વબજારમાં ક્રૂડ તેલ ફરી ઘટતાં સોયાતેલ, સોયાબીન તથા કોટનના ભાવ વૈશ્વિકસ્તરે ગબડયાં


મુંબઈ, તા.૨૫ એપ્રિલ 2020, શનિવાર

મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે નવી માગના અભાવે ભાવ સૂસ્ત બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર પણ ઘટાડો બતાવનારા મળ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવ વધ્યાભાવથી ફરી નીચા આવતા વૈશ્વિક સ્તરે વિવિધ તેલ તથા તેલીબિયાંની બજાર પર તેની નેગેટિવ અસર વર્તાયાના નિર્દેશો હતા. 

મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧,૩૪૦, કપાસિયા તેલના રૂ.૮૩૦, સોયાતેલના રૂ.૮૨૫, પામતેલના રૂ.૭૩૫થી રૂ.૭૪૦, સનફ્લાવર તેલના રૂ.૮૫૦ તથા રિફાઈન્ડના રૂ.૯૨૦, સોયાતેલ ડીગમના રૂ.૭૮૫ બોલાઈ રહ્યા હતા. રાજકોટ ખાતે આજે સિંગતેલના ભાવ રૂ.૧,૩૦૦ તથા કોટન વોશ્ડના રૂ.૮૦૦થી રૂ.૮૦૫ રહ્યા હતા.

મુંબઈ બજારમાં આજે દિવેલ તથા હાજર એરંડાના ભાવ સાંકડી વધઘટે જળવાઈ રહ્યા હતા. સામે ખોળ બજારમાં પણ વિવિધ ખોળોના ભાવ એકંદરે શાંત રહ્યા હતા. દરમિયાન, અમેરિકાના કૃષિ બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં કોટન વાયદો ૧૯૫ પોઈન્ટ  ગબડયો હતો, જ્યારે ત્યાં સોયાબીનનો વાયદો ૭૦ પોઈન્ટ તથા સોયાતેલનો વાયદો ૫૬ પોઈન્ટ તૂટયાના સમાચાર હતા. સોયાખોળ પણ નરમ હતું. મલેશિયા ખાતેથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૨૫ દિવસમાં આશરે ૮થી ૯ ટકા વધી હોવાનું એમસ્પેકના અહેવાલમાં જણાવાયું હતું. અમેરિકા ખાતે સોયાબીનમાં નીચા મથાળે ચીન તથા મેક્સિકોના આયાતકારો દાખલ થયાના સમાચાર હતા. દરમિયાન, ઘરઆંગણે રાજકોટ નજીક મોરબી રોડ ખાતે આવેલા માર્કેટ યાર્ડમાં કપાસ વિભાગમાં આગ લાગતાં ૮૦૦ મણ કપાસ બળી ગયાના સમાચાર મળ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yFNeSu
via Latest Gujarati News

Post a Comment

0 Comments