જે.જે. હોસ્પિટલ ટૂંક સમયમાં રોજ કોરોનાના ૨૨૦૦ સેમ્પલોનો ટેસ્ટ કરી શકશે



મુંબઇ, તા.28 એપ્રિલ, 2020, મંગળવાર

કોરોના સામેની ઝુંબેશ સફળ બનાવવા માટેના અનેક પગલાંમાનું એક કોવિડ-૧૯ માટેના ટેસ્ટની સંખ્યા અધિક કરવાનું છે અને તે મુજબ આવા ટેસ્ટ કરવાની મુંબઇની ક્ષમતા તાજેતરમાં વધી છે.

સરકારી સર જે.જે. હોસ્પિટલની લેબોરેટરી ટુંક સમયમાં રોજ કોરોનાના ૨,૨૦૦ સેમ્પલનો ટેસ્ટ કરી શકશે. તે સાથે જ તે દેશની સૌથી વધુ ટેસ્ટ કરનારી લેબોરેટરી હશે. તદુપરાંત, મહારાષ્ટ્રની કોરોના ટેસ્ટ કરવાની રોજિંદી ક્ષમતા પણ વધીને ૧૨ હજારની થશે.

ઉલ્લેખનીય છે કે જે.જે.માં હાલમાં રોજ એક્સો સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ આ મહિનાના અંત સુધીમાં તેની ક્ષમતા અગાઉ જણાવ્યા  પ્રમાણે વધશે.

વધુ ટેસ્ટ થઇ શકે તે માટે અમે જે.જે. હોસ્પિટલ ખાતે મેગા આરટી-પીસીઆર લેબોરેટરી શરૃ કરી રહ્યા છીએ. પ્રથમ તબક્કામાં, બેત્રણ દિવસમાં જ લેબોરેટરી એક હજાર સેમ્પલના ટેસ્ટ કરી શકશે એમ મેડિકલ એજ્યુકેશન એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ (એમઇડીડી)ના એક અધિકારીએ જણાવ્યુ હતું.

કોવિડ-૧૯ના સ્વેબ (સેમ્પલ) ટેસ્ટિંગની મુંબઇની ક્ષમતા બમણી કરી શકે તેવું અમેરિકન બનાવટનું મશીન રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (ડીએમઇઆર)ને પ્રાપ્ત થયું છે. થર્મો  ફિશર્સ ક્વાન્ટસ્ટુડિયો નામના આ મશીનને નાશિકની ખાનગી લેબોરેટરી દાતાર કેન્સર જીનેટિક્સ દ્વારા થોડાંક વર્ષો અગાઉ વિદેશથી આયાત કરાયું હતું. રોજ આઠ કલાકની શિફ્ટમાં બે હજારથી અધિક ટેસ્ટ કરતું મશીન આ લેબોરેટરીએ વિનામૂલ્યે ડીએમઇઆરને આપ્યું છે જે જે.જે. હોસ્પિટલમાં બેસાડવામાં આવ્યું છે.

હાલ મુંબઇમાં ખાનગી તથા સરકારી લેબોરેટરીઓ દ્વારા રોજ ૨,૨૦૦ સેમ્પલોનો ટેસ્ટ થાય છે. પૂલ (સામુહિક) ટેસ્ટની મંજૂરી મળે તો એક શિફ્ટમાં દસ હજાર સેમ્પલોનો ટેસ્ટ કરી  શકાશે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zG7uDV
via Latest Gujarati News

Post a Comment

0 Comments