
મુંબઈ, તા.28 એપ્રિલ, 2020, મંગળવાર
નવા કોરોનાએ મચાવેલા હાહાકારને કારણે વાંદરાની એક ખાનગી હોસ્પિટલે નવ મહિનાની એક ગર્ભવતી મહિલા પાસે કોવિડ-૧૯નો રિપોર્ટ ન હોવાથી તેને પ્રસૂતીની પીડા ઉપડી હોવા છતાં, અને તેનું નામ આ હોસ્પિટલમાં નોંધાવેલું હોવા છતાં પણ દાખલ કરવાની ના પાડી દીધી હતી. ૨૪ વર્ષીય મિસબા શેખ અને તેના પરિવારજનો હોસ્પિટલમાં છ કલાક સુધી કરગરતા રહ્યાં, પણ તેમની વિનવણીઓ બહેરા કાને અથડાઈ, તેના પરિવારજનોએ એમ લાગતું હતું કે મિસબાને ગમે ત્યારે પ્રસૂતિ થઈ જશે તેથી તેને તાત્કાલીક તબીબી સહાયની જરૃર છે.
મિસબા શેખે વાંદરાની હોલી ફેમિલિ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે પોતાનું નામ નોંધાવ્યું હતું. તે છેલ્લા ચાર મહિનાથી આ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટના સંપર્કમાં હતી. તેણે કહ્યું હતું કે મને આપવામાં આવેલી તારીખ મુજબ મારે ૨૮મી એપ્રિલે હોસ્પિટલમાં દાખલ થવાનું હતું. પરંતુ ૨૭મી એપ્રિલની રાત્રે મને વેણ ઉપડતાં અને બેચેની જણાતા ૨૭મી તારીખે સવારના નવ વાગે હોલી ફેમિલી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પરંતુ અમને કહેવામાં આવ્યું કે મારી પાસે કોવિડ-૧૯નો રિપોર્ટ ન હોવાથી તેઓ મને હોસ્પિટલમાં દાખલ નહીં કરે. જ્યારે મારી અગાઉની મુલાકાત દરમિયાન મને આ પરીક્ષણ કરાવવાનું સૂચન કરવામાં નહોતું આવ્યું. તેણે વધુમાં કહ્યું હતું કે બપોરે ત્રણ વાગ્યા સુધી હું બહાર મોટરમાં બેસી રહી. જોકે પછીથી એક તબીબ મને ઈમરજન્સી વિભાગમાં તપાસવા તૈયાર થયા હતાં જ્યાં મને કોવિડ-૧૯નું પરીક્ષણ કરાવવા પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું હતું.
અહીંથી આ ગર્ભવતી મહિલાના કુટુંબીજનો તેને કોવિડ-૧૯નું પરીક્ષણ કરાવવા વાંદરાની ભાભા હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ હોસ્પિટલમાં તેમને કહેવામાં આવ્યું હતું કે મિસબાને દાખલ કરવાની જરૃર છે, પરંતુ તેઓ તેને ત્યાં દાખલ કરવા નહોતા ઈચ્છતા. મિસબાએ કહ્યું હતું કે આ સમય દરમિયાન મારા પ્રસૂતિના વેણ મોળા પડી ગયા હતા. પરંતુ મારી પ્રસૂતિની તારીખ આવી પહોંચી હતી.
કોવિડ-૧૯ પોઝિટિવ હોવાના ભયને કારણે મિસબા જેવી ઘણી ગર્ભવતી મહિલાઓને દાખલ કરવાની ના પાડવામાં સંખ્યાબંધ બનાવો બન્યા પછી બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ બીવાયએલ નાયર હોસ્પિટલ- મુંબઈ સેન્ટ્રલ તેમજ વિલેપારલે સ્થિત નાણાવટી હોસ્પિટલને કોવિડ-૧૯ ગ્રસ્ત મહિલાઓની પ્રસૂતિ માટે નિયુક્ત કરી છે અને નાયર હોસ્પિટલમાં અત્યાર સુધી ૨૦ જેટલી પ્રસૂતિઓ થઈ છે.
જોકે મિસબાના કેસમાં હોલી ફેમિલી હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના કર્મચારીઓએ કહ્યું હતું કે તેને તેની પ્રસૂતિની આપવામાં આવેલી તારીખના બે દિવસ પહેલાં દાખલ થવાનું કહેવામાં આવ્યું હતું જેથી અમે તેનું કોવિડ-૧૯નું પરીક્ષણ કરાવી શકીએ અને જો તેનો રિપોર્ટ નેગેટિવ હોય તો અમે તેની પ્રસૂતિ કરીએ. પણ જો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને અન્ય હોસ્પિટલમાં ખસેડી શકીએ. અમે તેની સાથે અન્ય એક જણને રહેવાનું પણ કહ્યું હતું.
મિસબા જેવી ઘણી ગર્ભવતી મહિલાઓને કોરોના પોઝિટિવ હોવાના ભયને (શંકાને) કારણે જુદી જુદી હોસ્પિટલોમાં રઝળપાટ કરવાની નોબત આવી છે. ખાસ કરીને હોટસ્પોટ વિસ્તારોમાંથી આવેલી ગર્ભવતી સ્ત્રીઓને વધુ હેરાનગતિ ભોગવવી પડી છે. ગયા અઠવાડિયે દાદર સ્થિત એક સગર્ભાનો મલેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં તેને ત્રણ ત્રણ હોસ્પિટલોએ પાછી વાળી દીધી હતી. તેણે કહ્યું હતું કે મને તાવ આવતો હોવાથી મને દાખલ કરવા કોઈ હોસ્પિટલ તૈયાર નહોતી.
ભિવંડીના વિધાનસભ્ય અને ભાયખલાના નગરસેવક રઈસ શેખે કહ્યું હતું કે તેમણે આ સમસ્યા સંબંધે બીએમસીના વડાને લખ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોવિડ-૧૯ના પરીક્ષણનો રિપોર્ટ આવતાં ૨૪થી ૭૨ કલાક લાગે છે. જ્યારે આવા દરદીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા હોય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે એક ૪૦ વર્ષીય શખ્સને ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ સમસ્યા સર્જાતાં તેને ઊલટીઓ થવા લાગી હતી. પરંતુ તે હોસ્પિટમલાં ગયો ત્યારે તેને કોવિડ-૧૯ના રિપોર્ટ વિના દાખલ કરવાની મનાઈ કરી દેવામાં આવી હતી. વળી આવા કિસ્સામાં કેટલીક વખત દરદી પાસે પોતાની સારવાર કરાવવા કે કોવિડ-૧૯નું પરીક્ષણ કરાવવાના પૈસા ન હોય એવું પણ બને.
'એસોસિએશન ઓફ મેડિકલ કન્સલ્ટંટ્સ'ના ડો. લલિતા કપૂરે કહ્યું હતું કે શસ્ત્રક્રિયા જેવા કેસમાં હોસ્પિટલ પોતાના કર્મચારીઓની સુરક્ષા માટે કોવિડ-૧૯ના પરીક્ષણનો રિપોર્ટ માગે તેમાં કાંઈ ખોટું નથી. પરંતુ નિયમિત તપાસ માટે આવો રિપોર્ટ માગવો અયોગ્ય ગણાય. જ્યારે લીલાવતી હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. કિરણ કોએલ્હોએ જણાવ્યું હતું. અમે અમારે ત્યાં નામ નોંધાવનાર સઘળી ગર્ભવતી મહિલાઓને કહી રાખ્યું છે કે તેઓ ગર્ભાવસ્થાના ૩૮મા અઠવાડિયામાં પ્રવેશે એટલે કોવિડ-૧૯નું પરીક્ષણ કરાવી લે. આઈસીએમઆરની માર્ગદર્શિકા મુજબ ગર્ભવતી સ્ત્રી તેમજ તેની પ્રસૂતિ પછી તેની સાથે હોસ્પિટલમાં રહેનારી મહિલાએ તેની પ્રસૂતિની તારીખથી ૧૫ દિવસ પહેલાં કોવિડ-૧૯નો રિપોર્ટ કઢાવી લેવો આવશ્યક છે. જોકે હોટસ્પોટમાંથી આવતી ગર્ભવતી સ્ત્રીઓ માટે આ સમયગાળો પાંચ દિવસ પહેલાંનો રાખવામાં આવ્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Sh3q3r
via Latest Gujarati News
0 Comments