
મુંબઈ, તા. ૪ એપ્રિલ 2020, શનિવાર
ફેકટરીઓ બંધ પડી ગઈ છે, કામદારો વતન ચાલી ગયા છે અને વૈશ્વિક માગ ઘટી ગઈ છે ત્યારે દેશના એપરલ ઉદ્યોગ માટે ખાસ રાહતો જાહેર કરવામાં નહીં આવે તો લાખો લોકોએ રોજગાર ગુમાવવાનો વારો આવશે એવી એપરલ નિકાસકારોએ ચેતવણી ઉચ્ચારી છે.
૨૧ દિવસના લોકડાઉનના સમયગાળામાં ઔદ્યોગિક સાયકલ આમપણ અટકી પડી છે ત્યારે ભારતના એપરલના નિકાસકારોને અમેરિકા તથા યુરોપ ખાતેના ઓર્ડરો રદ થતાં મોટો ફટકો પડયો છે.
આ ઉપરાંત કામદારોની અછતને કારણે આગામી દિવસોમાં કામકાજ પર પણ અસર પડવાનો ભય રહેલો છે.
ઉદ્યોગના અંદાજ પ્રમાણે, ૭૦ ટકા જેટલા એપરલ એકમો માઈક્રો, સ્મોલ અને મીડિયમ (એમએસએમઈ) ક્ષેત્રમાં છે. એપરલ ઉદ્યોગમાં કુલ ખર્ચમાં ૨૫થી ૩૦ ટકા ખર્ચ લેબર પાછળ થાય છે. જ્યારે ઘરઆંગણેના ઉદ્યોગમાં આ દર સાધારણ રીતે ૭થી ૮ ટકા રહે છે.
વડા પ્રધાનને લખેલા પત્રમાં એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું છે કે, જો સરકાર વેળાસર પગલં જાહેર નહીં કરે તો ૧.૨૯ કરોડ કારીગરોને રોજગાર પૂરો પાડતો એપરલ ઉદ્યોગ મૃતપ્રાય: થઈ જશે. એપરલ ઉદ્યોગ એ સીઝનલ છે અને ચોક્કસ મોસમ પૂરી થઈ ગયા પછી તેના પ્રોડકટસનું આકર્ષણ ઘટી જાય છે.
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ્સ ઈન્ડસ્ટ્રી દ્વારા વડાપ્રધાનને લખાયેલા પત્રમાં પણ દરેક કાચા માલ, ડાયસ, કેમિકલ્સ, સ્પેર્સ તથા એસેસરીઝને એન્ટી ડમ્પિંગ ડયૂટી તથા કસ્ટમ્સ ડયૂટીમાંથી મુક્તિ આપવી જોઈએ એવી માગણી કરાઈ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JGIWwo
via Latest Gujarati News
0 Comments