
મુંબઈ, તા.24 એપ્રિલ, 2020, શુક્રવાર
કોરોના વાયરસને નાથવા લાગુ કરાયેલા લોકડાઉનને મહીનો પુરો થઈ ગયો છે. આ એક મહીના દરમ્યાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે. મહારાષ્ટ્રમાં કોવિદ- ૧૯ના ૬૩૨૦ કેસ ઉમેરાયા છે અને ૨૮૦ મોત નોંધાયા છે. જ્યારે મુંબઈમાં ૨૪ માર્ચે માત્ર ૪૧ કેસ હતા, જે મહીનામાં ૧૦ ગણાં વધીને ગુરુવારે ૪૨૦૫ થયા હતા.
માત્ર ૧૨૦ ચો. કિ.મી.નો વસવાટ લાયક વિસ્તાર ધરાવતું મુંબઈ સવા કરોડની વસતિથી ફાટફાટ થતું મહાનગર છે. આવા આ શહેરમાં લોકડાઉન સફળ થયું છે કે નહિ એ વિશે ડોક્ટરો, આરોગ્ય નિષ્ણાતો અને અમલદારોમાં ભિન્ન મત પ્રવર્તે છે. મહારાષ્ટ્રમાં કોવિદ-૧૯ના કુલ કેસમાંથી ૬૫ ટકા એકલા મુંબઈમાં નોંધાયા છે. મહારાષ્ટ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારી કબુલે છે કે મુંબઈમાં લોકડાઉનનો અસરકારકતાથી અમલ નથી થયો. હજુ બે દિવસ પહેલાં જ ટોલ નાકા પર ટ્રાફિક જોવા મળ્યો હતો. વળી, મુંબઈના સ્લમ્સ પણ મોટી ચિંતાનો વિષય છે અને હજુ સુધી પ્રભાવી યંત્રણા ઘડાઈ નથી.
વરિષ્ઠ અમલદારો એવો નિર્દેશ કરે છે કે જ્યાં લોકડાઉનનો સખતાઈથી અમલ થયો છે. ત્યાં સારા પરિણામો જોવા મળ્યા છે. દાખલા તરીકે, સાંગલી જિલ્લાના ઈસ્લામપુરમાં કોવિદ-૧૯ના ૨૬ કેસ હતા. બહુ જ અસરકારક કન્ટેઈનમેન્ટ પ્લાનથી આ આંકડો વધે તો રોકી દેવાયો હતો. જ્યારે મુંબઈમાં ઘણી બધી બાબતો પર છેવટ સુધી ધ્યાન નહોતું અપાયું એવી ફરિયાદ તેઓ કરે છે.
બીજી તરષ રાજ્ય સરકાર પોતાના બચાવમાં એમ કહે છે કે અમે કોવિદ-૧૯ના ટેસ્ટ માટે વધુ લેબ શરૃ કરી છે અને મહામારીનો મૃત્યુઆંક નીચે આવ્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે એવો દાવો કરે છે કે ટેસ્ટિંગ કેપેસિટીમાં અનેક ગણો વધારો કરી અમે સારી એવી કામગીરી બજાવી છે. રાજ્યમાં શરૃમાં માત્ર ૩ લેબ હતી, જે હવે વધીને ૩૮ થઈ છે. રાજ્યમાં રોજના ૭૨૦૦ અને મુંબઈમાં રોજના ૩૦૦૦ ટેસ્ટ થાય છે.
મહારાષ્ટ્ર અને મુંબઈમાં કોરોનાનો મૃત્યુઆંક ઘણો ઉંચો હતો. ગયા સપ્તાહ સુધી એ ૭ ટકાની આસપાસ હતો. જોકે, એ તો રાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાનો વિષય હતો. ટોપેના જણાવવા મુજબ મૃત્યુ દર હાલ ઘટાડીને ૫ ટકાની આસપાસ લાવી દેવાયો છે.
મુંબઈ મહાપાલિકા એક વરિષ્ઠ અધિકારી હવે રહી રહીને કહે છે કે મુંબઈમાં બાકીના વિસ્તારો કરતા એક મહીનો વહેલો લોકડાઉન લાગુ કરવો જોઈતો હતો. મુંબઈ એક ઈન્ટરનેશનલ સિટી છે અને છતાં બાકીના દેશ સાથે જ મંબઈમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એર ટ્રાફિક બંધ કરાયો. છેક ૧૪-૧૫ માર્ચ સુધી તો દુબઈ કે યુએઈ આપણા માટે હાઈ રિસ્ક દેશો પણ નહોતા. એટલે ત્યાંથી હજારો લોકો આવીને શહેરના સ્લમ્સમાં ફેલાઈ ગયા.' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. બીએમસીના કમિશનર પ્રવીણ પરદેશી ઘણા ઈન્ટરવ્યુમાં કહી ચુક્યા છે કે ધારાવીમાં જે કેસ નોંધાયા છે એમાંથી ઘણાં લોકો યુએઈથી આવ્યા હતા. એ ઉપરાંત ઘણાં લોકો દિલ્હીની તબલિગી મરકઝમાં હાજરી આપીને પાછા ફર્યા હતા.
કોરોનાના ટેસ્ટિંગ માટેનો ક્રાઈટેરિયા (ધારા- ધોરણો) વારંવાર બદલવાને કારણે બીએમસીના પ્રશાસનની પણ ટીકા કરાઈ છે. કોવિદના કેસ જ્યારે સતત વધતા હતા ત્યારે ૧૨મી એપ્રિલે પાલિકાએ હાઈ- રિસ્ક અસિમ્પટમેટિક કોન્ટેક્ટસનું ટેસ્ટિંગ બંધ કરવાનો નિર્ણય લીધો. એની ટીકા થયા બાદ પાલિકાએ ફેરવી તોળ્યું. જોકે, ત્રણ જ દિવસમાં બે જુદા જુદા સરક્યુલર બહાર પડવાથી વર્કરો ભારે ગુંચવણમાં મુકાઈ ગયા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VyHVx8
via Latest Gujarati News
0 Comments