
મુંબઈ, તા. 28 એપ્રિલ, 2020, મંગળવાર
કોરોનાના લોકડાઉનના અમલથી મુંબઈની હવામાં એરોસોલ (હવામાં તરતાં ઘન અને પ્રવાહી પ્રદૂષિત કણો)ની માત્રામાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે એવી માહિતી ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાાન દ્વારા થયેલા વિશેષ અભ્યાસ દ્વારા જાણવા મળે છે.
પૃથ્વી વિજ્ઞાાન ખાતાના સચિવ અને હવામાનશાસ્ત્રી એમ .રાજીવને એવી માહિતી આપી હતી કે ઈસરોના સેટેલાઈટ દ્વારા મળેલી ઈમેજીસનો અભ્યાસ એમ કહે છે કે મુંબઈના આકાશમાં એરોસોલનું પ્રમાણ ૫૦ ટકા અને ગંગાના તટપ્રદેશના વિસ્તારોમાં ૬૫ ટકા જેટલું ઘટયું છે. વાતાવરણમાં તરતાં આવાં પ્રદૂષિત રજકણો આરોગ્યમાટે હાનિકારક હોય છે. જાન્યુઆરીથી એપ્રિલના સમયગાળામાં દક્ષિણ એશિયાના દેશોમાં એરોસોલની માત્રામાં ઘણો વધારો નોંધાયો છે. કોરોનાના લોકડાઉનથી ભારતમાં વાહનોનો અને કારખાના-ઉદ્યોગોનો ધમધમાટ શાંત થઈ ગયો છે. પરિણામે વાતાવરણમાં ફેંકાતા પ્રદૂષિત રજકણોનું પ્રમાણ પણ ઘટયું છે. આવા પરિવર્તનની અસર ઉત્તર ભારતમાં વધુ જોવા મળી છે.
એમ.રાજીવને એમ પણ કહ્યું હતું વાહનોની અવરજવર બંધ થવાથી મુંબઈની હવામાં ૩૦ થી ૩૫ ટકા જેટલું પ્રદૂષણ ઓછું થયું છે.
બીજીબાજુ સિસ્ટમ ઓફ એર ક્વોલિટી વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (સફર)નાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ગયા સપ્તાહે થયેલા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું હતું કે દેશના મહાનગરોમાં પ્રદૂષણની માત્રા ઘટી ઘઈ હોવાથી તેને રેડ (લાલ) ઝોનમાંથી ગ્રીન (લીલો) ઝોનમાં મૂકાયાં હતાં. આ બધાં મહાનગરોની હવાની ગુણવત્તા પણવધુ સારી બની હતી.
મુંબઈની હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ ૬૦ ટકા, પીએમ-૧૦ ૪૯ ટકા પીએમ - ૨.૫ માં ૪૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આવો જ અભ્યાસ અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા 'નાસા' દ્વારા પણ થયો હતો. ૩૧, માર્ચથી ૫એપ્રિલ- ૨૦૧૬ થી આ જ સમયગાળા દરમિયાન ભારતના ગંગાના તટપ્રદેશમાં પણ પ્રદૂષણ ઘટયું હતું. જે છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી ઓછો હતો. આમ છતાં લોકડાઉન પૂરો થશે ત્યારે વાહનોમાંથી ફેંકાતા ફરી વલાયુઓ અને ઉદ્યોગો- કારખાનામાંથી ફેંકાતા ઝેરી રસાયણો- વાયુઓને કારણે પ્રદૂષણનું પ્રમાણ ફરીથી વધી જવાની પૂરી શક્યતા છે એવો સંકેત પણ એમ.રાજીવને આપ્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cOY7QC
via Latest Gujarati News
0 Comments