
મુંબઈ,તા.27 એપ્રિલ, 2020, સોમવાર
કોરોના વાયરસની મહામારીને કારણે રાજ્યના જાહેર સ્વાસ્થ્ય વિભાગે રાજ્યભરમાં મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.
વાયરસ સામે લડવા માનવબળની અછતને પૂરી કરવા રાજ્યમાં ૪,૧૮૭ પદ ભરવા માટેની જાહેરાતો પ્રકાશિત થઈ રહી છે. વિભાગ વિડીયો કોલિંગના માધ્યમે ઈન્ટરવ્યુ લઈ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફ માટેના પદ પર નિયુક્તિ કરી રહ્યો છે. તદુપરાંત ૮૦૦૦ પદો માટે એક અતિરિક્ત વેકેન્સી છે, જેમાં ૩,૦૦૦ ડેટા ઓપરેટરની જરૃર છે. જો આ પદ ભરાય તો રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારી રીતે લડી શકાશે.
મુંબઈમાં પણ પાલિકા વધુ ડોક્ટર્સ તેમજ નર્સની ભરતીની તૈયારી કરી રહી છે. પાલિકા ત્રણ મહિના માટે પાલિકા હાસ્પિટલોમાં ૩૦,૦૦૦ના પગારે કોન્ટ્રાક્ટ આધારે સેવા પર રાખવા માટે હોમ કેરમાં રહેતી નર્સ સુધી પહોંચી છે. જોકે ઘણી નર્સે આ માટે હા પાડી છે પરંતુ તેમણે પાલિકાને ઈન્સ્યોરન્સ કવર આપવાની વાત મૂકી છે. અત્યારે સરકારી કાયમી નોકરી ધરાવતાં સ્વાસ્થ્યકર્મીઓને જ કેન્દ્ર દ્વારા ૫૦ લાખનું ઈન્સ્યોરન્સ આપવામાં આવે છે.
આ સંદર્ભે નર્સોના એક એસોસિએશનના જણાવ્યાનુસાર, મુંબઈ-પુણેમાં આશરે પાંચ હજાર નર્સ એવી છે, જેઓ માત્ર હોમ કેરમાં જોડાયેલી છે. પરંતુ લોકડાઉનને કારણે તેમને પરિવહનમાં તરલીફ થતી ન હોવાથી તેઓ હાસ્પિટલોમાં જોડાઈ શકતી નથી. ઘણી નર્સોને સેવા આપવાની ઈચ્છા છે, પરંતુ લોકડાઉનના નિયમો અને સુરક્ષાની અછત તેમને નડી રહી છે.
સાથે જ પાલિકાએ ત્રણ મહિના માટે માસિક ૩.૫ લાખ રૃપિયાના પગારે ખાનગી ડાક્ટરોને પણ કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર માટે જોડાવાની ઓફર મૂકી છે. છતાંય ખૂબ ઓછો પ્રતિસાદ હોવાનું જણાય છે. કારણ અનેક ડાક્ટરોનું માનવું છે કે અત્યારે તેઓ જે સેવા કરી રહ્યાં છે તે માત્ર ત્રણ મહિના માટે તેઓ છોડી શકે નહીં.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eXHPGY
via Latest Gujarati News
0 Comments