અખાત્રીજ નિમિત્તે એપીએમસી માર્કેટમાં ૫૦ હજારથી વધુ કેરીની પેટીની આવક



મુંબઈ,તા.27 એપ્રિલ, 2020, સોમવાર

 અક્ષય તૃતીયાને દિવસે સોનું ખરીદવાને સાથે આંબાની ખરીદીનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. મહારાષ્ટ્રીયન પરિવારોમાં અખાત્રીજના દિવસે કેરીના પૂજનનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વર્ષે અખાત્રીજના લોકો સોનું નથી ખરીદી શક્યા પરંતુ કેરીનું આકર્ષણ જરાય ઘટયું નથી. આથી જ અખાત્રીજના અવસરે નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં કોંકણની આફૂસ કેરીની ૫૦ હજાર પેટીઓની આવક થઈ છે. 

ગત ત્રણ-ચાર દિવસથી આફૂસ કેરીની આવક મોટા પ્રમાણમાં એપીએમસીમાં થઈ રહી છે. અહીંથી કેરીની પેટીઓ નવી મુંબઈ, મુંબઈ શહેર, મુંબઈ ઉપનગર, થાણે, કલ્યાણ-ડોંબિવલી વગેરે વિસ્તારમાં વેચાણ માટે જતાં હોવાથી સ્વાદ રસિયાઓને પણ ઘરે રહી અમૃતફળ ખાવાની મજા પડી છે. હવામાનમાં બદલાવ, કમોસમી વરસાદને કારણે કોંકણમાં આ વર્ષે કેરી ઓછા પ્રમાણમાં પાકી છે. આથી માર્ચ મહિનાની શરૃઆતમાં જ મોટા પ્રમાણમાં થતી કેરીની આવક એપ્રિલ પૂરો થવા આવ્યો છતાં યોગ્ય પ્રમાણમાં થતી દેખાતી નથી.

કેરીનો પાક ઓછો હોવાથી અત્યારે ૩૦૦ થી ૫૦૦ ડઝનના ભાવ બોલાતાં હોવાની માહિતી ફળ માર્કેટના સંચાલક સંજય પાનસરે એ આપી છે. તેમાંય હવે રમજાન શરૃ થતાં આફૂસને પણ ફાયદો થશે. બીજી તરફ સરકારે નિકાસ શરૃ કરતાં વિદેશમાં આફૂસની નિકાસને અવકાશ મળ્યો છે. યુરોપ અને અમેરિકામાં કોરોનાનો કહેર હોવાથી ત્યાં હજી અલ્ફાન્ઝો કેરી પહોંચાડી શકાઈ નથી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yd7u8r
via Latest Gujarati News

Post a Comment

0 Comments