
મુંબઈ,તા.24, એપ્રિલ, 2020, શુક્રવાર
એશિયાના સૌથી મોટાં ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં કોરોના મહામારીના ફેલાવાને રોકવા મહાપાલિકા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે, ત્યારે બીજી તરફ ગોવંડી, એન્ટોપ હિલ, સાકીનાકા, વડાલા અને કુર્લાના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વધતાં જતાં કોરોના પોઝિટિવના કેસોને લીધે ચિંતા વધી ગઈ છે. આ સ્લમની અત્યંત ગીત વસ્તી વાઈરસના ફેલાવા માટે કારણભૂત બની રહી છે.
મહાપાલિકાએ તાજેતરમાં જ મુંબઈના દરેક વોર્ડમાં કોરોનાના દર્દીની સંખ્યા કેટલી છે તેની યાદી બહાર પાડી હતી. આમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, જે વોર્ડમાં વધુ ઝૂંપડપટ્ટીઓ છે, ત્યાં કેસનું પ્રમાણ વધું છે.
છ વોર્ડ તરફ નજર કરતાં ગંભીર બનતી સ્થિતિનો ખ્યાલ આવે છે. આ વોર્ડમાં કેટલાં દર્દીઓ નોંધાયા છે, તેની વિગત પાલિકાએ આપી છે. ઈ-વોર્ડ (નાગપાડા, મદનપુરા)માં કોરોનાના ૩૬૮ કેસ, એલ-વોર્ડ (કુર્લા) - ૨૬૭ કેસ, એફ નોર્થ વોર્ડ (એન્ટોપ હિલ, વડાલા) - ૨૬૦ કેસ, જી નોર્થ વોર્ડ (ધારાવી, માહિમ, શિવાજીપાર્ક) - ૨૫૭ કેસ, એમ ઈસ્ટ વોર્ડ (ગોવંડી, દેવનાર) - ૧૬૬ કેસ, એચ ઈસ્ટ વોર્ડ (બાંદરા, પૂર્વ) - ૧૬૫ કેસ નોંધાયા છે. આ રીતે ૨૨મી એપ્રિલ સુધીમાં કુલ ૩૭૫૪ કેસ નોંધાયા એમાંથી ૪૦ ટકા કેસ આ છ વોર્ડના સ્લમ વિસ્તારના છે.
મુંબઈ શહેરમાં વસતીની જે ગીચતા છે, તેનાથી બમણી ગીચતા આ સ્લમ વિસ્તારોમાં છે. દા.ત. કુર્લામાં એક ચોરસ કિમી ક્ષેત્રમાં ૫૪,૪૩૮ લોકો રહે છે. ચીનના કોરોના કેન્દ્ર ગણાયેલાં વુહાનની વસતીની જે ગીચતા છે, તેના કરતાં ૫૦ ગણી ગીચ વસતી કુર્લામાં છે. કુર્લામાં ૮૦ ટકા સ્લમ વિસ્તાર છે.
આ સ્લમ એરિયામાં કોરોનાનો પ્રસાર રોકવા માટે પાલિકાએ યુદ્ધના ધોરણે કામગિરી હાથ ધરી છે. ધારાવી અને વરલીમાં અનેક વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે. એવી જ રીતે ઝૂંપડપટ્ટી વિસ્તાર ધરાવતાં છ વોર્ડમાં પણ સમગ્ર એરિયા સીલ કરવામાં આવી રહ્યાં છે. સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આરોગ્યકર્મીઓ ઘરેઘરે ફરીને તપાસ કરી રહ્યાં છે. ખાસ તો સાર્વજનિક શૌચાલયોમાં વધુમાં વધુ સફાઈ રાખવાની સાથે જંતુનાશક દવા છાંટવામાં આવી રહી છે. ખાસ તો સોશિયલ ડિસ્ટંસિંગનું સખ્તાઈથી પાલન થાય એ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VAhB5B
via Latest Gujarati News
0 Comments