લોકડાઉન વચ્ચે આજના અક્ષય તૃતિયાના દિવસે જ્વેલર્સો દ્વારા ઓનલાઈન વેચાણનો વ્યૂહ


મુંબઈ, તા. 25 એપ્રિલ 2020, શનિવાર

લોકડાઉનને કારણે આવતા કાલના અક્ષય તૃતિયાના દિવસે ગોલ્ડનું ફિઝિકલ વેચાણ નહીં કરી શકવાના વસવસા સાથે જ્વેલર્સોએ ઘેરબેઠા પણ અક્ષય તૃતિયા નિમિત્તે ગોલ્ડનું વેચાણ કરવાના નુસખા શોધી કાઢયા છે. પોતાના પરંપરાગત ગ્રાહકોનો સામેથી સંપર્ક સાધીને શહેરના મોટા જ્વેલર્સ તેમને ગોલ્ડની ઓનલાઈન ખરીદી કરવા સમજાવી રહ્યા છે.

આવતી કાલના ૨૬મી એપ્રિલના રોજ અક્ષય તૃતિયાના દિવસે સોનું ખરીદવા ઈચ્છુકો દૂકાનમાં પ્રત્યક્ષ રીતે આવી શકવાના નથી એ હકીકતને ધ્યાનમાં રાખી જ્વેલર્સ તેમના ગ્રાહકોને જ્વેલરીની ડીઝાઈન્સ ઓનલાઈન દર્શાવી રહ્યા છે. આ ડીઝાઈન પસંદ કરી તેની ખરીદી અક્ષય તૃતિયાના દિવસે કરી લેવા તથા તેની ડિલિવરી લોકડાઉન ઉઠાવી લેવાય પછી લઈ જવા જણાવાઈ રહ્યું હોવાનું શહેરના એક જાણીતા જ્વેલર્સે જણાવ્યું હતું.સોનું ખરીદવા માટે અક્ષય તૃતિયાનો દિવસ શુભ માનવામાં આવે છે. 

અમારા જે જુના ગ્રાહકો કોઈન ખરીદવા માગતા હશે તેમને અમે વર્તમાન ભાવે તે વેચીને પછીથી તેની ડિલિવરી લેવા જણાવ્યું છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન ગોલ્ડના ભાવમાં તેજી વચ્ચે વેચાણમાં મંદીએ જ્વેલર્સોની કમાણીને બ્રેક મારી છે, ત્યારે જ્વેલર્સ અક્ષય તૃતિયા નિમિત્તેના તેમના વેપારને ગુમાવવા દેવા માગતા નથી. આ વર્ષ આમપણ હોળી પછીની તથા ઉજળી નોમ પહેલાની લગ્નસરાની મોસમનું વેચાણ ધોવાઈ ગયું છે, એમ તેમણે જણાવ્યું હતું. 

લગ્નસરાની મોસમને ધ્યાનમાં રાખી જ્વેલર્સોએ હોળી-ધુળેટી પહેલા માલનો સ્ટોકસ કરી લીધો હતો પરંતુ હોળી બાદ લોકડાઉન શરૂ થઈ જતા માલ વેચવાનો સમય જ રહ્યો નહતો.ઓર્ડરના માલની પણ ડિલિવરી અટકી પડી છે જેને કારણે માલભરાવો થવા ઉપરાંત જ્વેલર્સ લિક્વિડિટીની ખેંચનો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ ઈન્ટરમીડિઅરિસ પણ ગોલ્ડ ઈટીએફ તરફ રોકાણકારોને આકર્ષવાના પ્રયાસમાં છે. લોકડાઉનને કારણે ઓનલાઈન ગોલ્ડ ખરીદીની માત્રામાં વધારો થયો છે. 

ગયા વર્ષના અક્ષય તૃતિયાના દિવસે ગોલ્ડનો ૧૦ ગ્રામનો ભાવ જે રૂપિયા ૩૧૫૦૦ હતો તે હાલમાં વધીને રૂપિયા ૪૫૦૦૦થી પણ વધુ બોલાઈ રહ્યો છે. ગોલ્ડને એક સલામત રોકાણ ગણવામાં આવે છે માટે રોકાણકારોનું તે તરફ હમેશા આકર્ષણ રહે છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VTUa6i
via Latest Gujarati News

Post a Comment

0 Comments