
મુંબઈ, તા. 25 એપ્રિલ 2020, શનિવાર
દેશના વીસ ટકા જેટલા ખેડૂતો વર્તમાન વર્ષની ખરીફ મોસમમાં બિયાંરણો તથા ખાતરથી વંચિત રહી જવાની વકી છે. ઉત્પાદન સ્થળોએથી વિતરકો તથા રિટેલરો સુધી માલસામાનના પૂરવઠામાં પડેલી ખલેલને જોતા આ ધારણાં આવી પડી છે. રાજ્યોની અંદર તથા એકથી બીજા રાજ્યોમાં ટ્રકોની આવનજાવન પર ગંભીર અસર પડી છે.
બિયાંરણો, ખાતર, પેસ્ટિસાઈડસ તથા અન્ય કૃષિ રસાયણોને આવશ્યક કોમોડિટીસની યાદીમાં આવરી લેવાયા છે અને પ્રતિબંધોમાંથી તેને મુક્તિ અપાઈ છે. આમછતાં ટ્રકોની આવનજાવન અપેક્ષા પ્રમાણે થતી નથી. આ પાછળનું કારણ ટ્રકચાલકો તથા ક્લિનરોની અછત જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત કારખાનાઓમાં પણ કર્મચારીઓની ગેરહાજરીથી ઉત્પાદનો પર અસર પડી છે.
સામાન્ય રીતે ખરીફ વાવણીની કામગીરી મેના અંતિમ સપ્તાહથી જોર પકડે છે. દેશના ખૂણેખૂણે ખાતર તથા અન્ય કાચા માલનો પૂરવઠો કરવાના અમારા પ્રયાસો રહેશે આમછતાં ૨૦ ટકા ખેડૂતો સુધી કદાચ પહોંચી નહીં શકાય એમ ખાતર ઉત્પાદક કંપનીના એમડીએ જણાવ્યું હતું.
લોકડાઉનને કારણે કૃષિ તથા પોલ્ટ્રી ક્ષેત્રને ગંભીર અસર પડી છે એટલું જ નહીં ખેત મજુરોની અછતને કારણે કેટલાક રાજ્યોમાં રવી પાકની લણણીની કામગીરી પણ ઢીલમાં પડી છે.
આ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાના આવેલા વરતારાને જોતા ખેડૂતોમાં પણ વાવણીમી કામગીરીને લઈને ઉત્સાહ જોવા મળવાની આશા રાખવામાં આવી રહી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2So3bDV
via Latest Gujarati News
0 Comments