ટેરેસ પરની ગતિવિધિ પર નજર રાખવા નવી મુંબઈ પોલીસ ડ્રોનનો ઉપયોગ કરે છે



મુંબઈ,તા.22, એપ્રિલ, 2020, બુધવાર

 કોરોના વાયરસના ફેલાવાને રોકવા સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. પણ નાગરિકો લોકડાઉન અને સોશિયલ ડિસ્ટંસિંગ ન રાખતા મોટી સંખ્યામાં ઈમારતોની ટેરેસ પર ભેગાં થાય છે. આ લોકો પર નજર રાખવા નવી મુંબઈ પોલીસે હાઈટેક કેમેરા લગાવેલાં ડ્રોનનો ઉપયોગ શરૃ કર્યો છે. નવી મુંબઈના પોલીસ કમિશ્નરે થોડા સમય પહેલાં ટ્વિટર પર એક વિડીયો શેર કરી નાગરિકોને સૂચિત કર્યા હતા કે હવે તેમની ઉપર આકાશમાંથી પણ નજર રાખવામાં આવી રહી છે. જોકે મોટા ભાગના કિસ્સામાં દૂરથી ડ્રોનને તેમની તરફ આવતું જોતાં લોકો ટેરેસમાંથી દોડી નીચે ઊતરતા ભાગતા જોવા મળે છે.

આ સંદર્ભે નવી મુંબઈના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યાં પોલીસનું પેટ્રલિંગ થઈ શકતું નથી, ત્યાં અમે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છીએ. જોકે ટેરેસ પર થતી લોકોની ગતિવિધિને નિયંત્રણમાં લાવવા ડ્રોનનો ઉપયોગ અસરકારક પુરવાર થઈ રહ્યો છે.

દરમ્યાન નવી મુંબઈમાં મંગળવારે નવા પાંચ કેસ નોંધાતા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા ૭૪ પર પહોંચી ગઈ હતી. તદુપરાંત બુધવારે પણ નવી મુંબઈની આઈટી કંપનીના ૧૯ કર્મચારીઓને કોરોના થયાનું ધ્યાનમાં આવ્યું છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3awZwJQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments