કુલ પાંચ કરોડ ટન્સ ચોખા ખરીદવા સરકારનો ટાર્ગેટ


મુંબઈ, તા. ૨૯

કોવિડ-૧૯ને કારણે લાગુ કરાયેલા લોકડાઉન વચ્ચે ખાનગી ટ્રેડરોને માલ વેચવાની શકયતા ઘટી જતા ખેડૂતો ટેકાના ભાવે સરકારી એજન્સીને જ ચોખા વેચવા આતુર હોવાનું જણાતા ૨૦૧૯-૨૦ (ઓકટોબરથી સપ્ટેમ્બર)ની મોસમમાં સરકારી એજન્સી  અંદાજે પાંચ કરોડ ટન્સ ચોખા ખેડૂતો પાસેથી ખરીદ કરવા યોજના ધરાવે છે.આ ખરીદી વર્તમાન મોસમના કુલ ઉત્પાદન અંદાજના ૪૫ ટકા જેટલી રહેશે એમ કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

લોકડાઉનને કારણે મંડીઓમાં માલ વેચવા જવામાં ઘણો સમય નીકળી જાય છે. તેલંગણા તથા આન્ધ્ર પ્રદેશ સરકારે તો પોતાના રાજ્યમાં પાકેલા સંપૂર્ણ ચોખા ખરીદી લેવાનો નિર્ણય કર્યો છે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ૩.૯૪ કરોડ ટન્સ ચોખા વર્તમાન મોસમના ૩૧મી માર્ચ સુધીમાં આ અગાઉ જ ખરીદી લીધા છે. 

કોવિડ-૧૯ને કારણે એજન્સી બીજા એકથી સવા કરોડ ટન્સ ચોખાની ખેડૂતો પાસેથી પ્રાપ્તિ કરવા યોજના ધરાવે છે. આમ વર્તમાન મોસમમાં કુલ પાંચથી સવાપાંચ કરોડ ચોખાની સરકારી એજન્સીઓ ટેકાના ભાવે ખરીદી કરશે, એમ સુત્રોએ જણાવ્યું હતું. 

ગયા વર્ષની મોસમમાં એજન્સીએ ૪.૪૪ કરોડ ટન્સ ચોખાની ખરીદી કરી હતી જે અત્યારસુધીની સૌથી વધુ રહી હતી. સામાન્ય જાતિના ચોખા માટે ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૮૧૫ જ્યારે એ ગ્રેડના ચોખા માટે આ ભાવ રૂપિયા ૧૮૩૫ રખાયો હતો.

દેશમાં ચોખા તથા ઘઉંના સેન્ટ્રલ પુલનું ફૂડ કોર્પોરેશન સંચાલન કરે છે. ૧લી એપ્રિલના રોજ ફૂડ કોર્પોરેશન પાસે ૪.૯૧ કરોડ ટન્સ ચોખા તથા ૨.૪૭ કરોડ ટન્સ ઘઉંનો સ્ટોકસ જમા હતો જે બફર સ્ટોકસના ધોરણ કરતા સાડાત્રણ ગણો હતો. 

બીજી બાજુ કોર્પોરેશન પાસે ૭.૫૮ કરોડ ટન્સ અનાજ સંઘરવાની ક્ષમતા હોવાથી તેણે મિલો પાસેથી ચોખાનો સ્ટોકસ હજુ ઉપાડયો નહીં હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2y38OAt
via Latest Gujarati News

Post a Comment

0 Comments