
મુંબઈ, તા.24, એપ્રિલ, 2020, શુક્રવાર
ક્રિકેટના ભગવાનનું બિરૃદ પામનાર સચિન તેન્ડુલકર સ્વભાવે એક લો- પ્રોફાઈલ વ્યક્તિ છે. એણે જીવમાં ક્યારેય જીવનમાં પોતાના અંગત પ્રસંગોની હાઈ- પ્રોફાઈલ ઉજવણી કરી નથી પછી એ પોતાના લગ્ન હોય કે બર્થ-ડે હોય. ૨૪મી એપ્રિલે આવતો એનો બર્થ-ડે એનો સિતારો બુલંદ હતો ત્યારે પણ એક શાંતિપૂર્ણ ઉજવણી બની રહેતા. ૧૯૯૮માં શારજાહમાં રમાયેલી ઈન્ટરનેશનલ ટ્રાઈ- સિરીઝની ફાઈનલ પણ ૨૪ એપ્રિલે જ રમાઈ હતી. સચિને પહેલાં ૧૩૪ અને પછી ૧૪૩ રનની બે શાનદાર અને અજરાઅમર ઈનિંગ્સ રમીને ભારતને એ વન-ડે સિરીઝમાં વિજય અપાવ્યો હતો. શારજાહના રણમાં રમાયેલી ટ્રાઈ- સિરીઝમાં રેતીના તોફાન (સેન્ડ સ્ટોર્મ)એ મેચમાં થોડીવાર માટે અંતરાય ઊભો કર્યો હતો. એટલે તેન્ડુલકરની ફાઈનલમાંની ધુંઆધાર બેટિંગને કોમેન્ટેટરોએ 'સેન્ડ સ્ટોર્મ' એવું વિશ્લેષણ આપ્યું હતું. એ દિવસે સચિનનો ૨૫મો જન્મદિન હતો. છતાં એની ઉજવણી સાદાઈથી જ કરી હતી.
શુક્રવારે તેન્ડુલકરનો ૪૭મો જન્મદિન હતો, જે એનો અત્યાર સુધીનો સૌથી શાંત બર્થ-ડે બની રહ્યો હતો. કોરોના વાયરસ સામેના જંગમાં અગ્રીમ મોરચે લડી રહેલા તબીબી કર્મચારીઓ અને પોલીસો જેવા કર્મઠ લોકો પ્રત્યેના આદર રૃપે સચિન તેન્ડુલકરે બર્થ-ડે નહિ ઉજવવાનો નિર્ણય લીધો હતો.
બર્થ-ડેની પૂર્વ સંધ્યાએ એક અંગ્રેજી દૈનિકને આપેલી મુલાકાતમાં તેન્ડુલકરે એવી આગાહી કરી હતી કે કોવિદ-૧૯ની મહામારી પછીની દુનિયામાં ક્રિકેટ એક જુદી જ રમત તરીકે બહાર આવશે. આ રમતમાં ઘણાં બધા બદલાવ આવશે. એનો એક દાખલો આપતાં માસ્ટર બ્લાસ્ટરે કહ્યું હતું કે બોલને ચમકાવવાની (શાઈનિંગની) પધ્ધતિ હવે બદલાઈ જશે. અત્યારે બોલની એક બાજુ થુંક લગાડીને એ સ્વિંગ થઈ શકે એ માટે એને ચળકાટ અપાય છે. મેદાનમાં ખેલાડીઓ વચ્ચે ઉજવણીનું સ્વરૃપ પણ બદલાશે. ક્રિકેટરો એકબીજાને હાઈ-ફાઈ નહિ કરે અને ભેટશે પણ નહિ. આપણે કોરોનાના પડકારને મહાત આપ્યા બાદ ફરીથી ક્રિકેટ રમાવાનું ચાલુ થશે પણ મને લાગે છે કે બધાના મગજમાં એક પ્રકારનો (વાયરસનો) ભય તો રમતો જ રહેશે. દરેક માટે હાઈજિન લેવલ જાળવવું અતિ મહત્ત્વનું બની રહેશે એમ સચિને વધુમાં જણાવ્યું હતું.
એવી ધારણા રખાય છે કે ક્રિકેટ રમવાનું શરૃ થયા બાદ શરૃમાં મોટાભાગની મેચ પ્રેક્ષકો વિનાના ખાલીખમ સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઓક્ટોબરમાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ બંધ બારણે રમવાની જ વાત કરી છે. તેન્ડુલકર કહે છે, 'ખાલીખમ સ્ટેડિયમમાં રમવું એક અલગ અનુભવ બની રહેશે કારણ કે ખેલાડીઓ દર્શકોમાંથી ઘણી બધી ઉર્જા મેળવતા હોય છે. એ જોતા મેચ નેટ પ્રેકટીસ જેવી બની રહેશે.
કોરોનાને કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટની સાથોસાથ ડોમેસ્ટિક ક્રિકેટ સર્કિટને પણ બ્રેક લાગી ગઈ છે અને ૨૦૨૦ની આઈપીએલ બે મુદત સુધી મુલતવી રખાઈ છે. એ વિશે સચિને એવી ટીપ્પણ કરી હતી કે એકલી આઈપીએલને કે ઘણાં લોકો પોતાની આજીવિકા ગુમાવશે. આ બધું દેશના હિતમાં થઈ રહ્યું છે અને દેશથી વધુ મહત્ત્વનું બીજુ કાંઈ જ નથી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2y0govk
via Latest Gujarati News
0 Comments