એપીએમસી માર્કેટ આંશિક બંધ સાથે યથાવત ચાલું રહેશે: સુરક્ષાના કડક પગલાં લેવાશે



મુંબઈ,તા.29 એપ્રિલ, 2020, બુધવાર

 એપીએમસી માર્કેટમાં અચાનક ૧૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ વધી જતાં માર્કેટમાં ખળભળાટ મચ્યો હતો અને માર્કેટ બંધ થવાની હોવા બાબતે વિવિધ વાતો ફેલાઈ હતી. જોકે માર્કેટ ચાલું રાખવી કે નહીં તે બાબતે નિર્ણય લેવા માટે મંગળવારે મોડી રાત સુધી સંબંધિત અધિકારીઓની મિટીંગ ચાલું હતી. જોકે આ માર્કેટ પર સમગ્ર મુંબઈ, થાણે, નવી મુંબઈ અને રાયગડ જિલ્લો આધારિત હોવાથી માર્કેટ બંધ કરી શકાય નહીં એવો નિર્ણય લેવાયો હતો. પરંતુ સુરક્ષાના ભાગ રૃપે અમુક કડક પગલાં લેવા અંગે પણ સૂચવાયું હતું.

બેઠક દરમ્યાન થયેલ નિર્ણય અનુસાર જ્યાં કોરોનાગ્રસ્ત દર્દીઓ મળ્યાં છે તે ૧૪ દિવસ માટે સીલ કરી દેવાયા છે. જેમાં મસાલા માર્કેટની કે વિંગના ગાળા નંબર ૯ થી ૧૬ તેમજ કેન્ટીન બંધ કરાઈ છે, તો શાકભાજી માર્કેટમાં ઈ વિંગના ગાળા નં.૮૮૯ થી ૮૯૭ બંધ કરાયા છે. તે ઉપરાંત ધાન્ય માર્કેટમાં જી વિંગમાં ગાળા નં.૯ થી ૧૭ અને ફળ માર્કેટના ગેટ પરથી સુરક્ષા અધિકારીની કેબિન તેમજ તેની આસપાસનો ૫૦ મીટરનો વિસ્તાર બંધ કરાયો છે. મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની વિવિધ માર્કેટમાંથી સંપૂર્ણ એમએમઆરડીએ વિસ્તારમાં શાકભાજી, અન્નધાન્ય, જીવનાવશ્યક વસ્તુઓનો મોટા પ્રમાણમાં પૂરવઠો થતો હોવાથી બાકીની માર્કેટ ચાલું રખાશે. 

તે ઉપરાંત માર્કેટમાં આજથી તમામ વેપારીઓ, કામગાર, કર્મચારી, માથાડી, ટ્રાન્સપોર્ટ, સુરક્ષારક્ષકો વગેરેની કોરોના ટેસ્ટ કરવાનું શરૃ કર્યું છે. માથાડી સંગઠને આ તપાસણીઓ આજશી શરૃ કરી હોઈ દિવસમાં ૨૦૦ થી ૩૦૦ તપાસણીઓ કરાશે. સાડા ચાર હજાર રૃપિયાના ખર્ચની આ તપાસ સંગઠનના પ્રયત્ને માત્ર ત્રણ હજારમાં થશે. પાંચેય બજારોમાં આ પ્રકારની તપાસ થવાની છે. જોકે ગ્રોમાના સૂત્રોના જણાવ્યાનુસાર, ધાન્ય બજારની બહાર પણ આ પ્રકારની સુવિધા કરાઈ છે. જ્યાં પહેલાં સામાન્ય ટેસ્ટ કરાશે. તેમાં કોઈને જો વધુ તપાસની જરૃર જણાય તો તેની સુવિધા માર્કેટના ગેટની અંદર કરવામાં આવી છે. આથી સુરક્ષાની સાથે પણ માર્કેટ ચાલું જ રહેશે. માર્કેટ બંધ હોવાની વાતો પર કોઈએ વિશ્વાસ મૂકવો નહીં.  



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d11Sma
via Latest Gujarati News

Post a Comment

0 Comments