નાશિકના ભદ્રકાળી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ


મુંબઈ,તા. 25 એપ્રિલ 2020, શનિવાર

 નાશિકના ભદ્રકાળી અને ગંજમાળ વિસ્તારમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ૧૫૦ થી ૨૦૦ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી છતાં લોકડાઉનમાં જ્યાં એકતરફ લોકોને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે, ત્યારે આ ઘરોમાં રહેતાં સેંકડો લોકો બેઘર બન્યાં છે. આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન ફાયર બ્રિગેડના એક કર્મચારીને નજીવી ઈજા થઈ હતી.

આ સંદર્ભે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતીનુસાર, અહીંના ભીમનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સવારે ૯થ૩૦ કલાકે આ ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં નાશિક મહાનગર પાલિકાના ૧૫થી ૨૦ બંબાઓ આગ બૂઝવવા પહોંચી ગયા હતા. લગભગ બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. આ વિસ્તારમાં ગીચ ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. એવું કહેવાય છે કે થોડા જ સમયમાં આ આગ વધુ ફેલાઈ હતી અને ૬ થી ૭ સિલિન્ડરના સ્ફોટ બાદ આગે રૌદ્રરૂપ ધારણ કર્યું હતું અને લગભગ ૨૦૦ ઝૂંપડાઓ આગની જ્વાળામાં હોમાઈ ગયા હતા.

કોરોનાને કારણે વિવિધ વિસ્તાર સીલ કરી નાંખવામાં આવ્યા હોવાથી ફાયરબ્રિગેડના બંબાઓને ઘટનાસ્થળે પહોંચતા ઘણો સમય લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પાલિકાના કમિશ્નર રાધાકૃષ્ણ ગમે અને નાશિકના પોલીસ કમિશ્નર વિશ્વાસ નાંગરે પાટીલ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાહતકાર્ય પર નજર રાખી હતી. 

એકતરફ અત્યારે સૌને ઘરમાં રહેવાનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આ આગને કારણે બેઘર બનેલાં લોકોને ક્યાં રાખવા એ પ્રશ્ન ઉપસ્થિત થતાં તેમને કામચલાઉ ધોરણે બી.ડી.ભાલેકર મેદાનમાં ખસેડવામાં આવ્યા છે.   



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y2jnOF
via Latest Gujarati News

Post a Comment

0 Comments