કોવિદ-૧૯ની મહામારીએ મુંબઈની ગીચતાને ફરી સમસ્યાના કેન્દ્રમાં લાવી દીધી



મુંબઈ,  તા.21 એપ્રિલ, 2020, મંગળવાર

મુંબઈ કોરોના વાયરસના રોગચાળાનું એક મોટું હોટસ્પોટ બની ગયા છે. મહાનગરમાં કોવિદ-૧૯ના દર્દીઓ અને દર્દીઓના મોત રોજેરોજ વધતા જાય છે. એવા સમયે મુંબઈની ડિઝાઈન અને એની ગીચતા કઈ રીતે ઘટાડવી  એ વિશે પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે એવું અર્બન પ્લાનર્સ (શહેરી વિકાસ આયોજકો)નું માનવું છે.

'આપણે આજે મુંબઈના વિકાસની મોટાપાયે પુનઃ સમીક્ષા કરવાની જરૃર છે. જેમાં આપણે શહેરની ગીચતાનો પ્લાનિંગ ટુલ તરીકે ઉપયોગ કરવો જોઈએ', એમ જણાવતા મુંબઈની અર્બન ડિઝાઈન રિસર્ચ ઈન્સ્ટિટયુટ (યુડીઆરઆઈ)ના એક્સિક્યુટીવ ડાયરેક્ટર પંકજ જોશી એવો મત દર્શાવે છે કે મુંબઈના વિશાળ ભાગોનું હજુ રિડેવલપમેન્ટ થઈ રહ્યું હોવાથી શહેરની ગીચતા તબક્કાવાર રીતે ઘટાડવી શક્ય છે.

દર ચો.કિ.મી.એ ૩૧,૭૦૦ લોકોની વસતિ ધરાવતુ મુંબઈ બાંગ્લાદેશના પાટનગર, ઢાકા પછી દુનિયાનું બીજા નંબરનું સૌથી ગીચ શહેર છે. 'જો આપણે મેન્ગ્રોવ્સ અને સંજય ગાંધી નેશનલ પાર્કને ગણતરીમાં ન લઈએ તો સરેરાશ ગીચતા દર ચો. કિ.મી.એ વધીને ૪૩,૦૦૦ થઈ જાય.

એક અગ્રણી અંગ્રેજી દૈનિકમાં પ્રગટ થયેલા અભ્યાસ પૂર્ણ લેખમાં જણાવ્યા મુજબ આજે મુંબઈ સમક્ષ સૌથી પહેલો પડકાર વસતિ અને સુવિધાઓનો  અસમતોલ ફેલાવો છે. 'ખરું પૂછો તો કોઈપણ સિટી માટે ગીચતા ખરાબ નથી. મુંબઈની સમસ્યા એની અસમતોલ ગીચતા છે. એ સમજવું હોય તો મલબાર હિલની ધારાવી સાથે સરખામણી કરી જુઓ', એમ અર્બન પ્લાનિંગ એક્સપોર્ટ હુસૈન ઈમ્દોરવાલા કહે છે.

ધારાવીના આજે સંખ્યાબંધ કન્ટેનમેન્ટ ઝોન્સ છે અને ૧લી એપ્રિલ પછી ત્યાં કોવિદ-૧૯ના ૧૬૮ કેસ નોંધાયા છે. ધારાવીની ગીચતા (ડેન્સિટી) અત્યારે દર ચો.કિ.મી.એ ૬૬૦૦૦ લોકોની છે. ૧ કિ.મી.માં અહી સરેરાશ ૬૬૦૦૦ લોકો રહે છે. 'શહેરની સ્લમ રિહેબિલિટેશન સ્કીમમાં એક હેકટરમાં ૧૨૦૦ ટેનમેન્ટસ બાંધવાની છુટ છે. એની લીધે લિવિંગ કન્ડીશન્સ બદતર બની જવા ઉપરાંત જાહેર આરોગ્ય સામે પણ મોટો ખતરો ઊભો થાય છે', એમ ઈન્દોરવાલા કહે છે.

મહારાષ્ટ્ર સરકાર ધારાવી, ભીંડીબજાર અને બીડીડી ચાલ જેવા ગીચ વિસ્તારોના રિડેવલમપેન્ટ માટે વરસોથી પ્લાન ઘડતી આવી છે પરંતુ અર્બન પ્લાનર્સના મતે આ પ્રકારના પ્લાન્સથી લીવિંગ કન્ડીશન્સ નહિ સુધરે. અત્યાર સુધી સરકાર કલસ્ટર ડેવલપમેન્ટમાં રુચિ દાખવતી આવી છે, જેમાં નવા બાંધકામ માટે નાણાં ઊભા કરવા જમીનમાંથી વધુને વધુ કસ કાઢવાનું વિચારાય છે. નિષ્ણાતોના મતે આ મોડલ પહેલેથી જ વસતિથી ફાટફાટ થતા કલસ્ટરને વધુ ગીચ બનાવશે કારણ કે એજ એરિયામાં વધારાના ટેનમેન્ટસ બંધાશે. 'પુનર્વસન માટે આદર્શ, સિનારિયો એને કહેવાય જેમાં હેકટર દીઠ ૩૦૦- ૪૦૦થી વધુ ટેનમેન્ટસ ન બંધાય. જોકે, જમીનમાંથી વધુમાં વધુ રૃપિયા રળવાનો ઉદ્દેશ રખાતો હોય ત્યારે આવું બનવું શક્ય નથી', એમ ઈન્દોરવાલા ચોખ્ખા શબ્દોમાં કહે છે.

એક બીજી વાત મુંબઈની ગીચતા ઓછી કરવા શહેરમાં વધુ પબ્લિક પ્લેસીસ ઊભા કરવાની જરૃર છે. એમ જણાવતા પંકજ જોશી હોંગકોંગનો દાખલો આપે છે. જ્યાં બહુમાળી ટાવરો ગ્રાઉન્ડ પ્લસ બે ફલોર સુધી ઈન્ટરકનેકટેડ હોય છે. એને લીધે વધુ પબ્લિક પ્લેસ મેળવી શકાય છે.

ચીનના શહેર સાંઘાઈમાં ૨૦૦૦થી ૨૦૦૪ વચ્ચે શહેરમાં વધુ ૨૪૩ ચો.મી. વિસ્તાર ભેળવીને ગીચતાની સમસ્યાનો ઉકેલ શોધાયો હતો. સાંઘાઈ દુનિયાના સૌથી વધુ વસતિ ધરાવતા શહેરોમાંનું  એક છે. છતાં અહીંના રહેવાસીઓને શહેરના હાર્દ વિસ્તારમાંથી બીજે ખસેડાયા બાદ એમની લીવિંગ કન્ડીશનમાં સુધારો લાવી શકાયો હતો.

ભૂતકાળમાં ગીચતા ઘટાડવા માટે મુંબઈનું વિસ્તરણ કરવાના અખતરા થઈ ચૂક્યા છે. આજ કારણસર ૧૯૭૦ના દાયકામાં નવી મુંબઈની પરિકલ્પના ઘડાઈ હતી. મહારાષ્ટ્ર સરકારનું હેડકવાર્ટર મુંબઈથી નવી મુંબઈ ખસેડવાનું વિચારાયું હતું, જે શક્ય ન બન્યું. મુંબઈની આસપાસ નાના સેટેલાઈટ શહેરો વિકસાવવાનો પણ એક પ્રસ્તાવ હતો, જે અભરાઈ પર ચડાવી દેવાયો. મુંબઈ પરનું ભારણ ઘટાડવા એમએમઆરડીએ પણ છેક ૨૦૧૨થી ગ્રોથ સેંટરો ઊભા કરવાના સપના જોતી આવી છે. એના ૨૦૧૬-૩૬ના રિજનલ પ્લાનમાં ભિવંડીમાં ખારબાવ, ડોંબિવલીમાં નિળજે, પનવેલમાં શેન્દુગ અને વસઈ- વિરારમાં ગાસ ખાતે ચાર ગ્રોથ સેંટરો બાંધવાનો ઉલ્લેખ છે. આ બધું જ્યારે થાય ત્યારે ખરું બાકી તો અત્યારે તો આ બધી વાતો ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી છે.

એમએમઆરડીએ દ્વારા હાલ એમએમઆરમાં ૧૩ મેટ્રો લાઈનોનું કામ ચાલી રહ્યું છે. એવી ધારણા રખાઈ છે કે એકવાર આ બધી મેટ્રો લાઈનોનું બાંધકામ પુરું થઈ ગયા બાદ ૨૦૩૧ સુધીમાં ટ્રાફિકનો ભરાવો ૧૩૭ ટકાથી ઘટીને ૩૩ ટકા થઈ જશે. પરંતુ લોકડાઉનને કારણે તમામ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામ અટકી પડયા હોવાથી તમામ મેટ્રો લાઈનની ડેડલાઈન પણ લંબાશે. બીજા શબ્દોમાં કહીએ તો મુંબઈની ગીચતા ઓછી કરવાનો પ્લાન વરસો સુધી લંબાશે. ત્યાં સુધી મુંબઈગરાએ લોકલ ટ્રેનોમાં ઘેટા- બકરાની જેમ જ પ્રવાસ કરવો પડશે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RTWGrR
via Latest Gujarati News

Post a Comment

0 Comments