ધારાવીમાં સફાઇ કર્મચારી કોરોના ગ્રસ્ત થતા આરોગ્ય વિભાગ ચિંતિત


મુંબઇ, તા.૨ એપ્રિલ 2020, ગુરૂવાર

એશિયા ખંડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધરાવતા ધારાવીમાં કોરોનાગ્રસ્ત દરદીના મૃત્યુબાદ મુંબઇ મહાનગર પાલિકા તથા રાજ્ય સરકાર ચિંતિત બની ગઇ છે. કારણ કે આ ઝૂંપડપટ્ટીમાં કોરોના ફેલાય તો હજારોની સંખ્યામાં ચેપગ્રસ્ત  થાય એવા ભય સેવાઇ રહ્યો છે. ધારાવીમાં બીજો દરદી પણ મળી આવ્યો છે. આંચકાજનક માહિતી એ છે કે જાહેર સ્થળોને સેનિટાઇઝ કરનારો એક સફાઇ કર્મચારી કોરોનામાં લપેટાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આથી ધારાવીમાં ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પગલે ધારાવીના બાલિગા નગરના ૩૦૦ ફ્લેટ થતા દુકાનો સીલ કરાયા છે. તથા અહીં અનેકનો હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.

ધારાવીમાં બુધવારે એક ૫૨ વર્ષીય વ્યક્તિ કોરોનાને લીધે મૃત્યુ પામ્યો છે. આથી આ વ્યક્તિ જે પરિસરમાં રહે છે તેને પાલિકાએ પૂર્ણપણે સીલ કર્યો હતો. આ વ્યક્તિના પરિવારજનો તથા પડોશી તેમજ તેના સંપર્કમાં આવેલા લોકોની મેડિકલ ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા ધારીવામાં કોરોનાનો ફેલાવો થાય નહિ એટલે યુદ્ધના સ્તરે આયોજન શરૃ છે. ત્યારે ધારાવીમાં વધુ એક દરદી મળી આવ્યો છે. તે બાવન વર્ષીય સફાઇ કર્મચારી ધારાવીમાં સેનિટાઇઝિંગનું કામ કરતો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

પાલિકાએ તેની તાત્કાલિક સારવાર શરૃ કરી છે. આ વ્યક્તિની તબિયત સુધારા પર છે. તેના પરિવાર અને સંપર્કમાં આવેલા કુલ ૨૩ જણ હોમ ક્વોરન્ટાઇન કરાયાનું કહેવામાં આવ્યું છે. ધારાવીમાં બાલિગા નગર ખાતે ૩૦૦ ફેલેટ્સ અને ૯૦ દુકાન સીલ કર્યા છે. આ ભાગમાં એક કોરોનાનો પોઝીટીવ દરદી મળી આવ્યો છે. આ ભાગમાં કોઇને પણ ઘરની બહાર નીકળવા દેવાતા નથી. પાલિકા લોકો માટે સર્વ જીવનાવશ્યક વસ્તુનો પુરવઠઢો આપી રહી છે. સાવચેતીના પગલા તરીકે આ ઠેકાણે પોલીસ બંદોબસ્ત તહેનાત કરાયો છે. તેમજ પાંચ એમ્બ્યુલન્સ તાબડતોબ એક્શન માટે તૈનાત કરવામાં આવી છે.

કોરોનાનો દર્દી મળ્યા બાદ

ધારાવીમાં ઇમારત અને આસપાસનો પરિસર સીલ કરવા ગયેલા પાલિકા કર્મચારીઓ પર હુમલો

પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૃ

એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી ધારાવીમાં કોરોનાનો દર્દી મળ્યો હતો. આથી અહી ઇમારત સીલ કરવા ગયેલા મહાપાલિકાના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં એક જણની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

ધારાવીમાં કોરોનાને લીધે એક જણનું મોત નિપજ્યું હતું. જ્યારે કોરોનાનો દર્દી મળતા મહાપાલિકાના કર્મચારી જરૃરી કાર્યવાહી કરવા ગઇ હતી. તેઓ ઇમારત સહિતની આસપાસનો પરિસર સીલ કરી રહ્યા હતા. પણ અમૂક લોકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો. તેમણે પાલિકાના કર્મચારી પર હુમલો કરતા પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ હતી.

પોલીસે આ બનાવ બાદ કેસ નોંધી ઝીણવટભરી તપાસ શરૃ કરી હતી. છેવટે આ ગુનામાં સંડોવાયેલા એક શખસને પકડી લીધો હતો. અન્ય આરોપી ફરાર છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UBo7Zw
via Latest Gujarati News

Post a Comment

0 Comments