
મુંબઈ,તા.22, એપ્રિલ, 2020, બુધવાર
કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનને વધારી ત્રીજી મે સુધી લંબાવવામાં આવ્યું છે અને સરકાર સતત લોકોને ઘરની બહાર ન નીકળવા અને પરપ્રાંતીય મજૂરો અને અટવાયેલા લોકોને જ્યાં છે ત્યાં જ રહેવાની અપીલ કરે છે. તેમ છતાં હજી પણ ઘણા લોકો જીવનજરૃરી વસ્તુઓ પૂરી પાડતાં ટ્રક, ટેમ્પોમાં છૂપાઈને પોતાના વતનના ગામમાં પહોંચવાનો પ્રયાસ કરે છે. આવા જ એક પ્રયાસમાં ૬૦ જેટલાં પરપ્રાંતીય મજૂરોને ઉત્તરપ્રદેશ લઈ જતાં કન્ટેઈનરને ભિવંડીમાં આંતરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ કંટેઈનરના માલિક અને ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
આ સંદર્ભે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતીનુસાર, ભિવંડીના શાંતિનગર પોલીસને સોમવારે રાત્રે કે.બી.ચોક વિસ્તારમાં એક કંટેઈનર ટ્રક નજરે પડી હતી. શંકાને લીધે પોલીસે આ કંટેઈનરની ઝડતી લેતાં તેમાં ૬૦ જેટલા મજૂરો છૂપાઈને બેઠા હોવાનું નજરે પડયું હતું. પોલીસે આ કન્ટેઈનર ટ્રકને જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં લાવી હતી અને કન્ટેઈનરના માલિક અને ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો હતો.
આ સંદર્ભે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, લોકડાઉન જાહેર થતાં ઘણા મજૂરો બેરોજગાર બની ગયા હતા. આ લોકો કોઈપણ ભોગે પોતાના ઘરે જવા માગતા હતા. આ લોકોને ઉક્ત કન્ટેઈનર ટ્રકનો માલિક ઉત્તર પ્રદેશ લઈ જવા તૈયાર થયો હતો. જોકે આ લોકોને મુંબઈની સીમા પર આલેવા ભિવંડીમાં જ પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસે આ સંદર્ભે આઈપીસીની કલમ ૨૬૯ (બેદરકારી દાખવી જોખમી રોગચાળો ફેલાવવો) અને કલમ ૧૮૮ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S0AtbJ
via Latest Gujarati News
0 Comments