
મુંબઇ, તા.29 એપ્રિલ, 2020, બુધવાર
સમગ્ર રાજ્યના સ્વાસ્થ્યકર્મીઓ તથા કોરોનાવાઇરસ (કોવિડ-૧૯)ના દરદીઓના ક્વોરન્ટીન (સંસર્ગ પ્રતિબંધક) કેન્દ્રોમાં રખાયેલા ક્લોઝ કોન્ટેક્ટસ (સંપર્કમાં આવેલા લોકો)ને હવે મલેરિયાના ઉપચારમાં અપાતી દવા હાયડ્રોક્લોરોક્વીન સલ્ફેટ (એચસીક્યુએસ) આપવામાં આવશે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોએ જણાવ્યું છે કે એચસીક્યુએસની આડ અસરો છે પરંતુ તે લેવાથી કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ઘટે છે.
મહારાષ્ટ્રમાં ૮૫ ક્વોરન્ટીન કેન્દ્રોમાં એચસીક્યુએસની લગભગ ૭.૧૪ લાખ ગોળીઓ આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં કોવિડના પોઝિટીવ દરદીઓના નજીકના સંપર્કમાં આવતા ડોક્ટરો, નર્સો સહિતના પ્રથમ હરોળના આરોગ્યકર્મીઓને એચસીક્યુએસ ગોળીઓ આપવામાં આવે એવું જણાવતું જાહેરનામું રાજ્ય સરકારે બહાર પાડયું છે.
કોરોનાના દરદીની સાવ નજીક જવું પડતું હોય તેવા સ્વાસ્થ્યકર્મીઓને રોગ પ્રતિબંધક દવા તરીકે આ ગોળીઓ આપવામાં આવે છે. હોસ્પિટલોમાં કોવિડના હળવા લક્ષણોવાળા દરદીની સારવારમાં એચસીક્યુએસ ગોળી અપાય છે.
વધારાના પાલિકા કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે ઉપલબ્ધ માહિતી તથા ટાસ્ક ફઓર્સ તેમજ ડિરેક્ટોરે ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (ડીએમઇઆર)ની ભલામણોને આધારે સ્વાસ્થ્યકર્મીઓને એચસીક્યુએસ આપવાનો નિર્ણય કરવામ આવ્યો છે.
જાહેરનામામાં જણાવાયું છે કે ૧૫ વર્ષથી ઓછી વયના સગીરો, સગર્ભા મહિલાઓ કેન્સર અથવા કીમોથેરપિના દરદીઓ તથા સારવાર હેઠળના ટીબીના દરદીઓ સિવાયના ફક્ત કોરોનાના પોઝિટીવ દરદીઓ તથા કોવિડ કેર સેન્ટરોમાં રખાયેલા તેમના કોન્ટેક્ટસને જ એચસીક્યુએસ દવા આપવામ આવશે. વળી, હૃદયરોગ, ડાયાબિટીઝ તથા લોહીના રોગોના દરદીઓએ પણ ડોક્ટરની સલાહ વગર એચસીક્યુએસ લેવી જોઇએ નહીં.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bR8QtN
via Latest Gujarati News
0 Comments