ખાનગીમાં સોનાચાંદીમાં કડાકો: ચાંદી રૂપિયા 1000 તૂટી જ્યારે સોનામાં રૂપિયા 500 ઘટયા


(વાણિજ્ય પ્રતિનિધિ)   મુંબઈ, તા. 1 મે 2020, શુક્રવાર

મહારાષ્ટ્ર દિન નિમિત્તે સ્થાનિકમાં સોનાચાંદી બજાર સત્તાવાર બંધ રહ્યા હતા પરંતુ વિશ્વબજાર પાછળ સ્થાનિકમાં ખાનગી સોનાચાંદીના ભાવમાં ગાબડાં પડયા હતા. વિશ્વના અનેક દેશો લોકડાઉન ધીરે ધીરે ઉઠાવી લઈ રહ્યાના અહેવાલને કારણે સોનાચાંદીમાંથી રોકાણકારો હળવા થઈ રહ્યા છે. સેફહેવન તરીકેની ડીમાન્ડ ઘટી રહી છે, જ્યારે ડોલર માટેની માગ વધી છે. અમેરિકામાં બેરોજગારીના આંકડા વધીને ૩ કરોડ પર પહોંચતા તેને કારણે પણ ગોલ્ડમાં ઘટાડો જોવાયો છે. વિશ્વમાં અર્થતંત્ર પાટે ચડતાં ક્ડ ઓઈલ માટેની માગ ફરી વધવા લાગશે તેવી આશાએ સ્ટોકિસ્ટો લેવાલ રહેતા ક્ડ તેલના ભાવ સુધારા તરફી રહ્યા છે.

સ્થાનિકમાં ગોલ્ડ ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ બંધ બજારે જીએસટી વગર રૂપિયા ૪૫૫૫૦થી ઘટી રૂપિયા ૪૫૦૦૦ બોલાતા હતા. ૯૯.૯૦ ગોલ્ડના ભાવ રૂપિયા ૪૫૭૩૩થી ઘટી રૂપિયા ૪૫૧૫૦ બોલાતા હતા. ગોલ્ડની પાછળ .૯૯૯ ચાંદીના ભાવ પણ એક કિલોના રૂપિયા ૪૨૨૦૦ પરથી રૂપિયા ૧૦૦૦ તૂટીને રૂપિયા ૪૧૨૦૦ બોલાતા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. 

વિશ્વબજારમાં ગોલ્ડના ભાવએક ઔંસના ૧૭૧૩ ડોલર પરથી ૧૭૦૦ ડોલરની અંદર ઊતરી મોડી સાંજે ૧૬૮૦ ડોલર બોલાતા હતા જ્યારે ચાંદી ઔંસ દીઠ ૧૫.૨૮ ડોલરથી ઘટી ૧૪.૮૫ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમના ભાવ પ્રતિ ઔંસ ૭૭૯ ડોલરથી ઘટી ૭૬૬ ડોલર જ્યારે પેલેડિયમ ૧૯૮૬ ડોલર પરથી ઘટી ૧૯૩૬ ડોલર બોલાતું હતું. 

બ્રિટન, યુરોપ તથા અમેરિકા સહિતના દેશો લોકડાઉનમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યા છે જેને કારણે કિંમતી ધાતુઓની સેફ હેવન તરીકેની માગ ઘટી રહી છે. ગોલ્ડમાંથી રોકાણ પાછું ખેંચી ફન્ડ હાઉસો ડોલરમાં રોકાણ તરફ વળતા ડોલર ઈન્ડેકસમાં વધારો થયો છે. અમેરિકામાં બેરોજગારીમાં વધુ ૩૮.૪૦ લાખનો વધારો થયો છે પરંતુ બેરોજગારી વધવાની માત્રા ધીમી પડતા અમેરિકા રાહતના સમાચાર ગણાય રહ્યા છે. છેલ્લા ૬ સપ્તાહમાં અમેરિકામાં બેરોજગારીનો આંક ત્રણ કરોડથી ઉપર ગયો છે. 

સ્થાનિક કરન્સી બજારમાં ડોલર જે ગઈકાલે ૭૫.૧૧ રૂપિયા બંધ રહ્યો હતો તે આજે ખાનગીમાં ઉછળીને ૭૫.૭૦ રૂપિયા બોલાતો હતો. વિશ્વ બજારમાં ક્ડ તેલમાં ન્યુયોર્કના ભાવ વધુ ૫.૫૦ ટકા વધી પ્રતિ બેરલ ૧૯.૮૬ ડોલર જ્યારે બ્રેન્ટ ક્ડ બે ટકા વધી ૨૬.૯૬ ડોલર બોલાતું હતું, ક્ડ તેલ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદન કાપ અમલમાં મુકાયો છે. ક્ડ તેલના મોટા ઉત્પાદક દેશ વેનેન્ઝુએલામાં ઊભી થયેલી ટેકનિકલ ખામી ઈરાને ઉકેલી આપતા વેનેન્ઝુએલાએ તેના બદલામાં ઈરાનને નવ ટન સોનું આપ્યું હોવાના અહેવાલ હતા. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KPgvg3
via Latest Gujarati News

Post a Comment

0 Comments