કપરાં કાળમાં અસ્તિત્વ ટકાવવા કોર્પોરેટ ઈન્ડિયાનો ડેટ માર્કેટમાંથી રૂ. 40,000 કરોડ ઊભા કરવા ધસારો


- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, મહિનદ્રા, ટાટા સ્ટીલ, ટીવીએસ મોટર સહિતની મોટી ભારતીય કંપનીઓ નાણા ઊભા કરવાની તૈયારીમાં

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ તા. 1 મે 2020, શુક્રવાર


કોરોના મહામારીમાં આવી પડેલા આર્થિક સંકટમાં ઔદ્યોગિક પ્રવૃતિ એક તરફ ઠપ્પ થઈ ગઈ છે, ત્યારે આ કપરાં કાળમાં અસ્તિત્વ ટકાવી રાખવા સાથે લિક્વિડિટી ઊભી કરવા ડેટ માર્કેટમાંથી રૂ.૪૦,૦૦૦ કરોડ જેટલી મૂડી ઊભી કરવા દોટ મૂકી છે.ઘણી મોટી કંપનીઓ અત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી ઉપલબ્ધ બનેલા સસ્તા નાણાં મલ્ટિપલ ડેટ ઈસ્યુઓ બેંકોને ઈસ્યુ કરી ડેટ માર્કેટસમાંથી નાણાં મોટાપાયે એકત્ર કરવા લાગ્યા હોવાનું જાણવા મળે છે.

કોર્પોરેટ ઈન્ડિયામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ લિમિટેડ, ટીવીએસ મોટર્સ લિમિટેડ અને એનએચપીસી સહિતની કંપનીઓ આર્થિક મંદ વૃદ્વિના આ લાંબાગાળા માટે રોકડ તૈયાર રાખવા રૂ.૩૭,૦૦૦ કરોડ જેટલી રકમ ઊભી કરવાની તૈયારીમાં છે. અત્યારે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન(ટીએલટીઆરઓ) હેઠળ ભારતીય કંપનીઓ દ્વારા ઈસ્યુ થતાં બોન્ડસને ખરીદવા બેંકો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી ૪.૪ ટકાએ ઋણ મેળવી શકે છે. જેથી મોટી ભારતીય કંપનીઓ ઔદ્યોગિક પ્રવૃતિ ફરી શરૂ કરવા માટે અને કોરોના મહામારીથી લોકડાઉનની અનિશ્ચિતતાએ પડનારી અસરમાં લિક્વિડિટીની જરૂરીયાત પૂરી કરવા નાણાં ઊભા કરવાની દોટ મૂકી છે. આ ડેટ ઈસ્યુઓ ઘણી કંપનીઓ દ્વારા આ ઈક્વિટી ઈસ્યુઓની સાથોસાથ થઈ રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શેરોના રૂ.૫૩,૧૨૫ કરોડના રાઈટ ઈસ્યુની યોજના હોવાનું જાહેર કરાયું છે. 

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ચોખ્ખું દેવું ૩૧,ડિસેમ્બર ૨૦૨૦ના અંતે રૂ.૧.૫૩ લાખ કરોડ જેટલું છે. કંપનીએ લોકડાઉન બાદ એપ્રિલમાં કંપનીએ જણાવ્યું હતું કે કંપની પ્રાઈવેટ પ્લેસમેન્ટ ધોરણે વિવિધ ટ્રાન્ચમાં નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરોના (એનસીડીઝ)ના ઈસ્યુ થકી રૂ.૨૫,૦૦૦ કરોડ ઊભા કરવાની યોજના છે. ટાટા ગુ્રપ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણદારોને સસ્તા નાણા માટે આરબીઆઈ સ્પેશ્યલ સેન્ટ્રલ બેંક ફેસેલિટી માટેની મંજૂરી આપ્યા બાદ ફંડ માટે બોન્ડ માર્કેટમાંથી નાણા ઊભા કરવા સક્રિયતા બતાવી છે.

૧૩,એપ્રિલના ટાટા સ્ટીલે શેરબજારને જાણ કરતાં જણાવ્યું હતું કે, કંપની એકથી વધુ ટ્રાન્ચમાં એનસીડીઝ થકી રૂ.૭૦૦૦ કરોડથી વધુ મૂડી ઊભી કરશે. ટાટા મોટર્સની એનસીડીઝ થકી રૂ.૧૦૦૦ કરોડ ઊભા કરવાની યોજના હોવાનું અને કંપનીની ૫,મે ૨૦૨૦ના આ માટે નિર્ણય લેવા મીટિંગ યોજાનાર છે. ટાટા સન્સ દ્વારા પહેલા જ તેની ગુ્રપ કંપનીઓને પર્યાપ્ત પ્રવાહિતા-લિક્વિડિટી જાળવવા માટે મૂડી ખર્ચની યોજના તૈયાર રાખવા જણાવાયું છે. 

દેશવ્યાપી લોકડાઉનની અસરને ખાળવા રિઝર્વ  ઓફ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લા એક મહિનામાં બે ટ્રાન્ચમાં રૂ.૧ લાખ કરોડનું ઓપન માર્કેટ ઓપરેશન્સ પરચેઝ જાહેર કર્યું છે. ભારતીય કંપનીઓ જો રિઝર્વ બેંકના પેકેજનો લાભ લેશે તો તેઓ તેમનો દેવા ખર્ચ ઘટાડી શકશે. બેંકોએ આરબીઆઈની લિક્વિડિટી વિન્ડોમાંથી સસ્તા દરે નાણાં મેળવ્યા છે અને બજારમાં રોકાણ માટેની સારી તકો જોઈ રહી છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VVRMgy
via Latest Gujarati News

Post a Comment

0 Comments